Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાષ્ટ્ર નિર્માણમાં ભુમિ, જનતા અને તેની સંસ્કૃતિ મહત્વના

સમાન સ્મૃતિ, સમાન શત્રુમિત્ર ભાવનાથી એકમેક સાથે જોડાયેલા હિત સંબંધવાળો જનસમુદાય એટલે રાષ્ટ્ર : રાષ્ટ્રીયતાની ભાવના પ્રજાને પુરૂષાર્થી બનાવે : આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર : ભવ્ય ભુતકાળને ગ્લોરીફાઇ કરીશુ તો વિશ્વગુરૂ બનતા વાર નહીં લાગે

જયારે માણસો શ્વાસ માટે ટળવળતા હોય તોય કેટલાક ઓકસીજનના કાળાબજાર કરતા હોય કે લાઇફ સેવીંગ ડ્રગ્સનું ડુપ્લીકેશન કરતા હોય ત્યારે કે પછી રાષ્ટ્રીય આપદાને વીસરીને સતાધારીઓ, સતા વિરોધીઓ આપસમાં બાખડતા હોય ત્યારે વિચાર આવે કે, આપણી રાષ્ટ્રીયતા કયાં ખોવાઇ ગઇ? ગાંગાથી પણ જુની અને પવિત્ર આપણી રાષ્ટ્રીયતા કયાં વિસરાઇ ગઇ?

શું આ જ દેશ માટે લગભગ ૭ લાખ શહીદો સ્વંત્રતા મેળવવા હોમાયા હશે? કયાં ગઇ એ પ્રચંડ રાષ્ટ્રીયતા? કયા ખોવાયુ આપણું રાષ્ટ્રત્વ?

આમ તો આ માટે ચાર શબ્દો વપરાય છે : રાષ્ટ્ર, શરાષ્ટ્રત્વ, રાષ્ટ્રીય અને રાષ્ટ્રીયતા. અંગ્રેજીમાં નેશન, નેશનહૂડ, નેશનાલીટી અને નેશનાલીઝમ. અલબત આપણા રાષ્ટ્ર શબ્દનો અર્થ નેશન શબ્દ કરતા થોડો વિશાળ છે. રાષ્ટ્ર શબ્દમાં વૈદિક ધરોહર 'હિન્દુપણ' આપણા મુળ વ્યાખ્યાકર્તાઓએ જોડેલ છે.

જો કે અંગ્રેજી શેખી કરતા કહેતા ગયા છે કે 'ભારત કયાં રાષ્ટ્ર હતું? એ તો અમે એને રાષ્ટ્ર બનાવ્યુ' વી.આર. મેકીંગ ઇટ નેશન!

આ કુટનીતિવાળુ ભયંકર તુત આપણે નીચી મુંડીએ સ્વીકારી લીધુ. કારણ કે આપણે આપણા સાહિત્યથી કપાઇ ગયા છીએ. વળી વેદોમાં તો રાષ્ટ્રની વ્યાખ્યા કે વિચારો પ્રછન્ન રીતે છુટા છુટા વ્યકત થાય છે. કોઇ અલગ ચેપ્ટર કે પ્રકરણ નથી. જેમ કે રૂગ્વેદમાં દશથી વધુ જગ્યાએ શ્લોકોમાં યજુર્વેદમાં છએક જગ્યાએ, તો અર્થવેદમાં પચાસથી વધુ શ્લોકોમાં રાષ્ટ્ર વિષે વિચારો વ્યકત થયા છે.

અર્થવેદમાં શ્લોક ૧૯:૪૧:૦૧ માં રાષ્ટ્ર વિષે એવુ કહ્યુ છે કે ૧. રાષ્ટ્ર નિર્માણ ભુમિ, જનતા અને તેની સંસ્કૃતિથી થાય છે. ૨. ત્રણેય વેદોએ વારંવાર સ્તુતિ કરતા કહ્યુ : ''પૃથ્વીવ્યાઃ સમુદ્રપર્યન્તાયઃ એક રાષ્ટ્ર'' યાને સમુદ્ર પર્યંત કન્યાકુમારીથી હિમાલય સુધી પૃથ્વી એક રાષ્ટ્ર છે. ૩. રાજયશાસ્ત્રનો નિષ્ણાંત, ચાણકયનિતિનો પ્રયોજક કહે છે કે : 'હિમવત સમુદ્ર ઉતરે યોજન સહસ્ત્ર પરિમાણમ' યાને : સાગરની ઉતરે હિમાલય પર્યંત એક હજાર યોજન લંબાઇનો આ દેશ છે. ૪. બ્રુહસ્પતિ આગ્રામ નામના ગ્રંથમાં શ્લોકમાં કહે છે : 'હિમાલય સમારંભ યાવત ઇન્દુ સરોવરમ, તં દેવનિર્માત દેશ હિન્દુસ્થાનં પ્રચક્ષતે' : યાને દેવોએ નિર્માણ કરેલો અને હિમાલયથી હિન્દુ મહાસાગર સુધી ફેલાયેલો આ દેશ હિન્દુસ્થાન કહેવાય છે.

એક અન્ય શ્લોક કહે છે : 'ઉતરમ યત સમુદ્રસ્ય હિાદેશ્ચૈવ દક્ષિણમ. વર્ષ તદ ભારતમ નામ ભારતી યત્ર સંતતિ'. સમુદ્રની ઉતરે અને હિમાલયની દક્ષીણે ફેલાયેલ ભૂમિ તે ભારત છે. તેના પર વસતી તેની સંતતી ભારતી છે.

આમ સીમાંકીત જમીન ભુમિ, તેના પર વસતા લોકો તથા તે બન્ને વચ્ચેનો સંબધ રાષ્ટ્રની વ્યાખ્યાના આવશ્યક અંગો છે. આદમીકાળમાં જંગલમાં વસતા આપણા પૂર્વજો, કેમ વીકાસ પામ્યા હશે? શરૂઆતમાં કોઇ શીકાર ટોળીઓ બની હશે, પછી કાલાંતરે દરેકે પોત પોતાની ટોળી માટે વસવાટની ભુમિની ઓળખ ઉભી કરી હશે. આ આટલી ભુમિ આપણી. તેમ સીમાંકનો નકકી કરી તેની રક્ષા કરવા, સંવર્ધન કરવા જજુમ્યા હશે. તેથી ઉપર કહ્યુ તેમ ભુમિ અને તેની પર વસવાટ કરતી પ્રજા અને તે પ્રજા અને ભુમિ બન્ને વચ્ચેનો સંબંધ રાષ્ટ્ર માટે આવશ્યક અંગો બન્યા છે.

શ્રી એમ. એસ. ગોલવાલકરજી વ્યાખ્યા આપતા કહે છે : ''રાષ્ટ્ર એ ભાવનાત્મક ધારણા છે... એકાદ વિશિષ્ટ ભૂપ્રદેશ પર તેમના સંતાન બની રહેનારા સમાન પરંપરા આકાંક્ષા, ભુતકાળના સુખ દુઃખના અનુભવોની સમાન સ્મૃતિ, સમાન શત્રુમિત્ર ભાવનાથી એકમેક સાથે જોડાયેલા હિત સંબંધવાળો જનસમુદાય એટલે રાષ્ટ્ર''

આમ રાષ્ટ્ર શબ્દ નેશન શબ્દ કરતા ઘણો વિશાળ શબ્દ છે. જેમ કે : ૧. રાષ્ટ્ર શબ્દ ગુણ ભાવ કેન્દ્રીત છે. આ ભાવ કે લાગણીઓ બે માટે (૧) પરસ્પર લોકો માટે (ર) પોતાની ધરા ભૂમિ કે જેના પર વસવાટ કરે છે જયાં તેના મૂળ હતા કે હજી પણ છે તે પર. ૨. જયારે આપણે પરસ્પર લાગણીની વાત કરીએ છીએ. ત્યારે આ લાગણીઓ સહીયારી હોય છે. યાને કે બધાના સુખ દુઃખ ભાષા, બધાના ઇતિહાસ, પૂર્વજો તથા ભૂતકાળના અનુભવ બધા માટે અકે સમાન લાગણી થાય છે. બધાનો એક જ દુશ્મન, બધાનો એક જ મિત્ર બને છે. બસ આજ તો કહેવાય રાષ્ટ્રીયતા. ૩. આ ભાવ, આ લાગણી એટલે જ રાષ્ટ્રીયતા. પંડીત જવાહરલાલ નહેરૂ પોતાના પ્રખ્યાત પુસતક 'મારૂ હિન્દનું દર્શન' (ડીસ્કવરી ઓફ ઇન્ડીયા) માં ખુબ સરસ રીતે લખે છે : 'રાષ્ટ્રીયતાની ભાવના પ્રજાને પુરૂષાર્થી બનાવે છે. પ્રેરણા આપનારુ આ એક સમર્થ પરિબળ છે. આ ભાવ સાથે પરંપરાઓ તથા સહીયારા જીવનની સમાન ધ્યેયની લાગણીઓ જોડાયેલી છે'. ૪. આ ભુમિ માટે આ ભાવ લાગણી રાષ્ટ્ર માટે પ્રથમ છે. જયારે રાજય યાને સ્ટેટ નેશન વગરે માટે ભુ ભાગ જ પ્રથમ છે. શું આ ભાવ આજના દેશ બાંધવોમાં પ્રથમ છે? માત્ર વ્યકિતગત હિત, પક્ષહિતને પ્રાધાન્ય આપતા આપણાચ નેતાઓમાં દેખાય છેે? પંડીત નહેરૂ આગળ લખે છે 'રાષ્ટ્રીયતાનો આદર્શ ગહન અને સબળ વસ્તુ છે. માનવીના આત્મા પરની રાષ્ટ્રીયા કાયમી અપીલનો સ્વીકાર કર્યે જ છુટકો છે. ૫. અથર્વેદનો એક બીજો શ્લોક ઋષીઓને ઉદબોધીને કહે છે : જયાં આત્મજ્ઞાની ઋષીગણો તપશ્ચર્યા, યજન, પુજન કરવામાં અગ્રેસર રહે છે તો તેનાથી રાષ્ટ્ર બને છે. તેને બળ મળે છે. તેજ મળે છે. ને આવા ઋષીગણોને સમાજ નમન કરે છે. ૬. જો અન્ય દેશનો ઇતિહાસ તપાસવામાં આવે તો ત્યા રાષ્ટ્રભાવ પ્રતિક્રિયારૂપે જન્મેલા છે. આપસ આપસના યુધ્ધો, અને બન્ને વિશ્વ યુધ્ધોના કારણે આપણા સમુહને રક્ષવાના ભાવમાંથી 'આપણું રાષ્ટ્ર' એવો ભાવ જનમ્યો - મજબુત થયો છે.

દા.ત. શ્રી દતોપંત ઠેંગડી કહે છે 'પોપ અને સ્પેનીશ આર્મીડાના વિરોધમાં ઇંગ્લેન્ડનો રાષ્ટ્રવાદ પનપ્યો. નેપોલીયનના આક્રમણોના પ્રત્યાઘાતરૂપે તેર રાજયોમાં વહેંચાયેલા જર્મનમાં રાષ્ટ્રવાદ પ્રબળ બન્યો. ઓસ્ટ્રીયાના ઇટલીમાં રાષ્ટ્રીયતાનો ભાવ પ્રખર થયો' અને તેથી જ માર્કસ અને લેનીને સામ્યવાદ ફેલાવવા 'રાષ્ટ્રવાદ ખતમ કરવા હાકલ કરેલી ૭. જયારે આપણો રાષ્ટ્રપણાનો ભાવનો પાયો 'સામુહિક ઉત્કર્ષ તથા લોક કલ્યાણ' છે. ને તેમાથી જ 'બહુજન હિતાય બહુજન સુખાય' ને વસુધૈવ કુટુમ્બકમ' નો ભાવ નીપજયો છે.

બસ આ જ તો થઇ રાષ્ટ્રીયતા ને રાષ્ટ્રીયતાની સમજ. તેથી અંગ્રેજીની શેખી 'વી આર મેકીંગ નેશન' એ તેઓનું ઘોર અજ્ઞાન દર્શાવે છે. અને તેવી વાત આપણે સ્વીકારી લઇએ તો આપણા શાસ્ત્રોનું ઘોર અપમાન કરીએ છીએ. સાથો સાથ આપણા બૌધિક ગુલામીની મનોદશાનું પ્રતિબિંબ પાડે છે. પણ સવાલ આપણી મનોદશાને સુધારવી કેમ? આ રાષ્ટ્રીયતાનો ભાવ જાગરૂક થાયકે કેમ? આ ભાવ લેવાય?

  • પ્રાથમિક ઉપચારો

તે માટે કેટલીક બાબતો પર વિસ્તૃત ગહન વિચારણા કરવી રહે. કઠોર નઠોર પગલા લઇ શહીદી વહોરવી પડે. ૧. રાષ્ટ્રીયતા એ ભાવ છે તેને સ્વભાવનો હિસ્સો બનાવવો જરૂરી છે.  તે માટે બાળકના ઉછેર, કેળવણીમાં આમુલ પરિવર્તન લાવવાનું રહે. નાનપણમાંથી જ માનસીક શારીરીક ઘડતર રાષ્ટ્રીયતાવાળુ લાવવુ પડે. ઇજરાઇલ આના ઉદાહરણ છે. જો ઘર ઘરમાં જો માતા જીજાબાઇ કે અહલ્યાબાઇ થાય અને તેના ધર્મગુરૂ રામદાસજી થાય તો તદન શકય છે કે પછી બાહ્ય આક્રમણ થાય તો સામુહિક સુરક્ષા રાષ્ટ્ર પ્રત્યે ભાવ જગાડે છે. અલબત આ દુધનો ઉફાણો છે. અકાયમી ભાવ છે. ૧-અ. શિક્ષણમાં સમાનતાને પ્રાધાન્યતા એક જ અભ્યાસક્રમ સમગ્ર દેશ માટે, સમાન ભાષા, સમાન આદર્શ, સમાન ત્યોહારો, કોઇ વિશેષતા, કોઇ અનામત નહી, હા, તમારી પસંદની સ્ટીમ પણ કોઇ જુદા પામદંડ નહી, સમાન ભૌગોલીક, સાંસ્કૃતિક સામાજીકવાળા કોર્સસ. ૧-બ. આજના જેવો ગુલામીનું ચિત્રણ કરતો ઇતિહાસ નહી. પણ ગૌરવશાળી અતિતવાળા રાષ્ટ્રની વાતો તથા તે માટે શહીદ થનારાઓના ચરિત્રવાળો ઇતિહાસ. ૨. જીવન માટે ગૌરવશાળી લક્ષ્ય હેતુ આપવા. આપણું રાષ્ટ્રીય લક્ષ્ય આપવુ. આપણા ભવ્ય ભુતકાળને ગ્લોરીફાઇ કરવો. વિશ્વગુરૂ બનાવવાના સ્વપ્નોને દ્રઢતાથી રજુ કરવા. જે સ્વામી વિવેકાનંદ, અરવિંદ મહર્ષી તથા ટાગોરજીએ વર્ણવ્યુ છે.

શ્રી અરવિંદ કહે છે : ઇન્ડીયા એલોન કેન લીડ ધ વર્લ્ડ, ટુ પીસ એન્ડ ન્યુ વર્લ્ડ ઓર્ડર. નેતાજી સુભાષચંદ્ર બોસ કહે છે : ભારતીય સંસ્કૃતિ વિશ્વ સભ્યતા, માનવતા કે લીયે બહુત આવશ્યક હૈ, ઇસ કે બીના વિશ્વ સભ્યતા વાસ્તવીક નહી હૈ, ભારત અપને લીયે નહીં, પર દુનિયાકે કલ્યાણ કે લીયે સ્વતંત્ર હોગા. રવિન્દ્રનાથજી કહે છે : ભારત કી મહાન આધ્યાત્મિક, સાંસ્કૃતિક પરંપરા કી ઇંગ્લેંડ, ફ્રાન્સ, જર્મની આદી દેશોકી કલ્પના મે ભી નહીં. આ ત્રણેયને આપણા જીવન લક્ષ્ય બનાવવા. શહીદોને રોલ મોડેલ બનાવવા. ૩. સામાજીક તથા રાજકીય માનસીકતા બદલાવ લાવવો : હિન્દુપણાની સાચી સમાજ પ્રસરાવવી. આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર છે તે સ્થાપિત કરવુ. ધર્મ નિરપેક્ષતાની સાચી ઓળખ લાવવી. આ બધા લક્ષય કઠીન છે ઘણી મજબુત રાજકીય ઇચ્છા શકિતની જરૂર પડશે. કદાચ આ અમલ કરાવવામાં ૫૦ વર્ષો લાગી જશે. પણ ત્યાર બાદની પેઢી અવશ્ય વિશ્વ વિજયી થશે.

આલેખન : ત્રિલોક ઠાકર

પૂર્વ તંત્રી, સંકલન શ્રેણી વિશ્વ સંવાદ કેન્દ્ર-ગુજરાત મો.૯૮૨૪૩ ૪૨૦૪૨

(11:38 am IST)