Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ખંભાતમાં મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં : દંપતિને જોખમ હોવાથી યુવતીએ પોલીસ રક્ષણ માગ્યું

યુવતીએ અરજીમાં લખ્યું મારો પરિવાર લગ્નની વિરૂદ્ધ હોવાથી મને તથા મારા પતિને જાનનું જોખમ હોઈ રક્ષણ આપો

ખંભાતઃ આણંદ જિલ્લાના ખંભાતમાં મુસ્લિમ યુવતીએ હિંદુ યુવક સાથે લગ્ન કર્યાં છે પણ યુવતીના પરિવાર તરફથી દંપતિને જોખમ હોવાથી યુવતીએ પોલીસ રક્ષણ માગ્યું છે. ફરમીનબાનુ નામની યુવતીએ આણંદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી જણાવ્યું છે કે, મેં મારી પોતાની મરજી અને રાજીખુશીથી હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. મારો પરિવાર આ લગ્નની વિરૂદ્ધ હોવાથી મારા પરિવારજનોથી મને તથા મારા પતિને જાનનું જોખમ હોઈ પોલીસ રક્ષણ આપવા વિનંતી છે.

આણંદ જિલ્લાના ખંભાતના જૂની મંડાઈસ્થિત સૈયદવાડા ખાતે રહેતી 20 વર્ષીય ફરમીનબાનુ મો. ફારુકાન સૈયદે પોલીસવડા તથા ખંભાત શહેર પોલીસ સ્ટેશને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, તેણે 19 જૂનના રોજ ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે દિવસ પહેલાં એટલે કે 17 જૂનના રોજ તેણે તેના પિતાનું ઘર પહેરેલાં કપડે છોડી દીધું હતું.

જો કે તેના પિતા અને અન્ય પરિવારજનોને લગ્ન મંજૂર ન હોઈ, તેઓ તેમને છુટા પાડવા પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રયત્નોના ભાગરૂપે તેને તથા તેના પતિ ઉત્કર્ષને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. યુવતીનો દાવો છે કે રોતે હિંદુ યુવક સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે પણ ખતરો હોવાથી દંપતી ભયભીત હોવાથી ખંભાત છોડી સલામત સ્થળે આશરો લીધો છે.

ફરમીનબાનુ સૈયદે આપેલી લેખિત અરજીમાં પિતા મો. ફુરકાન સૈયદથી તેને ભય હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેના કૌટુંબિક મામા એઝાઝ સૈયદ (રહે. પાંચ હાટડી) તથા તાકીર સૈયદ (રહે. સૈયદવાડો) તથા માથાભારે શખસ ફિરોઝ પઠાણ ઉર્ફે (ફન્ટર), સોહિલ ઉર્ફે કાંટો, સદામ સૈયદ ઉર્ફે મારુફ ઉર્ફે ચપ્પલ, હમ્દાનઅલી સૈયદ ઉર્ફે દલાલ, તૌસીફ સૈયદ, જમશેદ જોરાવરખાન પઠાણના નામનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. જો તેને કે તેના પતિને કાંઈ થશે તો તેની જવાબદારી આ લોકોની રહેશે, એમ પણ તેણ જણાવ્યું છે.

ફરમીનબાનુ સૈયદે પોતે પોતાની મરજીથી યુવક ઉત્કર્ષ પુરાણી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં ખુશ છે એવો એક વીડિયો બનાવ્યો છે. 30 સેકન્ડનો આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ કર્યો છે.

(10:39 am IST)