Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

શિક્ષણ બોર્ડે જોગવાઇમાં ફેરફાર કર્યો

ધો.૧૧માં પ્રવેશની સમસ્યા દૂર કરવા વર્ગ દીઠ ૭૫ છાત્રોને બેસાડાશે

૭૫ વિદ્યાર્થીઓને એક કલાસમાં બેસાડાતાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડશેઃ નિષ્ણાતો : અગાઉ વર્ગખંડમાં ૬૦ વિદ્યાર્થીઓને બેસાડવાની જોગવાઈ હતીઃ ચાલુ વર્ષ ઉપરાંત ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષમાં પણ વર્ગ દીઠ ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે

અમદાવાદ, તા.૨૩: રાજયમાં ધોરણ ૧૧માં પ્રવેશની સમસ્યા ન સર્જાય તે માટે શિક્ષણ બોર્ડે વર્ગદીઠ ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે બોર્ડે જોગવાઈમાં ફેરફાર કર્યો છે. જે મુજબ ચાલુ વર્ષે વર્ગદીઠ ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. ઉપરાંત આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૨૨-૨૩માં ધો. ૧૦ અને ૧૨માં પણ વર્ગ દીઠ ૭૫ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે. અત્યાર સુધી વર્ગદીઠ ૬૦ વિદ્યાર્થીને જ બેસવાની મંજૂરી હતી. પરંતુ હવે બે વર્ષ પૂરતો આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

કોરોનાના કારણે ૨૦૨૧ના વર્ષમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતા નિયમિત વિદ્યાર્થીઓને બોર્ડની જાહેર પરીક્ષાના બદલે માસ પ્રમોશન આપવા માટે રાદ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને પરિણામ આપવા અને ધોરણ ૧૧માં પ્રવેશ અંગેની જોગવાઈઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ કરેલી ભલામણોનો શિક્ષણ વિભાગે સ્વીકાર કર્યો છે.

રાજયમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૧૧માં પ્રવેશની સમસ્યા ના ઉદ્બવે તે માટે શિક્ષણ બોર્ડના નિયમમાં સુધારો કરવાની દરખાસ્ત કરાઈ હતી. જેના પર સરકારે વિચારણા પ્રવેશની જોગવાઈમાં સુધારો કરવાની મંજૂરી આપી છે. બોર્ડની અગાઉની જોગવાઈ મુજબ વર્ગખંડમાં જેટલા વિદ્યાર્થીઓ માટે સગવડ હોય તેટલા વિદ્યાર્થીઓ પૂરતો પ્રવેશ મર્યાદિત રહેશે પરંતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ૬૦ રહેશે, તેમ જણાવ્યું હતું. ઉપરાંત વર્ગખંડમાં ૬૦ કરતા વધુ વિદ્યાર્થીઓ માટે જગ્યા અને સાધન સામગ્રી ઉપલબ્ધ હોય તો વધારાના પાંચ વિદ્યાર્થીઓને સંબંધિત અધિકારી પ્રવેશની મંજૂરી આપશે.

જોકે, હવે બોર્ડે આ જોગવાઈમાં ફેરફાર કર્યો છે. જે મુજબ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ જગ્યાની સગવડને ધ્યાને લેતા વર્ગ દીઠ ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. જે વર્ગખંડમાં ૭૫ કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી શકવાની પૂરતી જગ્યા અને સાધન સામગ્રી હોય તો વર્ગખંડમાં ૭૫થી વધુ વિદ્યાર્થીઓને શાળાના વડા પોતાની સમજણશકિત અનુસાર પ્રવેશ આપી શકે છે. આમ, ૭૫ કરતાં વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે દ્યણાં વર્ગમાં જોવા મળી શકે છે.

શિક્ષણ બોર્ડની જોગવાઈમાં કરેલો ફેરફાર ચાલુ વર્ષ એટલે કે ૨૦૨૧-૨૨માં ધોરણ ૯ અને ૧૧ તેમજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ધોરણ ૧૦ અને ૧૨ માટે અમલી રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. ત્યારબાદ શિક્ષણ વિભાગના અગાઉના ઠરાવની મૂળ જોગવાઈઓનો અમલ કરવાનો રહેશે. આ ઠરાવનો અમલ સ્થાનિક કક્ષાએ પૂરતી સતર્કતા સાથે એ રીતે કરવાનું રહેશે જેથી સરકાર પર તેના કારણે કોઈ વધારાનું નાણાંકીય, મહેકમ વિષયક ભારણ કે કાયદાકીય જવાબદારી ઉદ્બવે નહીં.

શિક્ષણ બોર્ડે પ્રવેશની સમસ્યા ના સર્જાય તે માટે વર્ગદીઠ ૭૫ વિદ્યાર્થી બેસાડવાની મંજૂરી આપી છે. હાલમાં ઓનલાઈન કલાસ ચાલે છે ત્યાં સુધી કોઈ સમસ્યા નહીં રહે પરંતુ કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ રાજય સરકાર શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપશે ત્યારે એક જ વર્ગમાં ૭૫ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો કોરોનાની ગાઈડલાઈનનો સદંતર ભંગ થશે. સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની વાતો વચ્ચે એક જ વર્ગમાં ૭૫ વિદ્યાર્થીઓને બેસાડવા સંક્રમણ ફેલાવી શકે તેવી ભીતિ પણ નિષ્ણાતોએ વ્યકત કરી છે.

(10:21 am IST)