Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પાટીદારો બાદ હવે 24મીએ કોળી સમાજના આગેવાનોની ભાવનગરમાં બેઠક :ભાજપ-કોંગ્રેસના નેતાઓ રહેશે હાજર

રાજ્યભરના કોળી સમાજની બેઠક સંગઠન મજબૂત બનાવવા ઉદેશથી મળતી હોવાનો દાવો

અમદાવાદ :વિધાનસભાની ચૂંટણીને હજુ 16થી વધુ મહિના જેટલો સમય બાકી છે છતાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે અને AAP ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બનવા માંગે છે ત્યાં છેલ્લા એક મહિનાથી ભાજપમાં પણ હિલચાલ વધી ગઈ છે ત્યાં સામે પક્ષે ગુજરાતના જુદા જુદા સમાજો એક થઈ રહ્યા છે.

 થોડા દિવસ પહેલા જ પાટીદાર સમાજ દ્વારા ખોડલધામમાં મોટી બેઠક કરવામાં આવી હતી. આ બેઠક પહેલા CMને લઈને કરવામાં આવેલાં નિવેદનોના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. રાજ્યમાં જુદા જુદા નેતાઓ દ્વારા છેલ્લા થોડા જ દિવસમાં 'અમારો મુખ્યમંત્રી' બનાવવા માટે માંગ કરવામાં આવી છે ત્યારે 24મી જૂને ભાવનગરમાં કોળી સમાજની બેઠક થવા જઈ રહી છે.

  ભાવનગરમાં રાજ્યભરના કોળી સમાજની બેઠક બોલાવવામાં આવી છે. 24મી જૂને જુદા જુદા અગ્રણીઓની હાજરીમાં બેઠક કરવામાં આવશે. વીર માંધાતા ગ્રુપ દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ અને ભાજપ સાથે જોડાયેલા આગેવાનો હાજરી આપવાના છે. નોંધનીય છે કે બેઠકમાં કોળી સમાજના સંગઠનને મજબૂત કરવા અંગેના નિર્ણય લેવામાં આવશે.

(12:23 am IST)