Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અમદાવાદના સુભાષ બ્રિજ પરથી નદીમાં કૂદવા જતા દારુડિયાને લોકો અને ફાયરબ્રિગેડે બચાવ્યો

નશામાં ધૂત યુવક લોખંડની જાળી પર ચડી નદી તરફ કૂદવાનો પ્રયાસ કરતો હતો

અમદાવાદ: સુભાષબ્રિજ પર લોખંડની જાળી વટાવીને નદીમાં કુંદવાનો પ્રયાસ કરતા નશામાં ધૂત યુવકને આજે બપોરે ફાયર બ્રિગેડના જવાનોએ બચાવ્યો હતો. બપોરે બનેલી આ બચાવ કામગીરીનો વીડીયો વાયરલ કરી સ્થનિકોએ ફાયર જવાનોને બિરદાવ્યા હતા.

સુભાષબ્રિજ પર બપોરે 3 વાગ્યાના સુમારે નશામાં ધૂત યુવક લોખંડની જાળી પર ચડી નદી તરફ કૂદવાનો પ્રયાસ કરતો હતો. સ્થાનિકોનું ધ્યાન જતા 32 વર્ષીય યુવકને લોકોએ જાળીમાંથી હાથ નાંખી પકડી લીધો અને ફાયરને બનાવની જાણ કરી હતી.

ફાયરની ટીમે સ્થળ પર જઈ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકને 20 મિનીટની મહેનત બાદ બચાવી લીધો હતો. બનાવની જાણ થતાં રાણીપ પોલીસે યુવકનો કબજો લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવક બારડોલપુરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. શાહપુર ફાયર ઓફીસર એસ.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે યુવક નશાની હાલતમાં હતો. નદીમાં પડતો બચાવીને રાણીપ પોલીસને સોંપ્યો છે. યુવકે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે

(8:41 am IST)