Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વ્‍યાજના બદલામાં વેપારીની પત્‍ની પર આચરાયેલું દુષ્‍કર્મ

આનંદનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ : વ્‍યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા છતાંય વ્‍યાજખોર દ્વારા વ્‍યાપારીની પત્‍નીનું જાતીય શોષણ ચાલુ રખાતા ફરિયાદ

અમદાવાદ,તા.૨૩ : શહેરના જીવરાજપાર્ક વિસ્‍તારમાં રહેતા એક વેપારીની પત્‍ની પર વ્‍યાજખોરે દુષ્‍કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. વ્‍યાજે લીધેલા રૂપિયા પરત કરી દીધા હોવા છતાંય વ્‍યાજખોરે વ્‍યાજની માંગણી ચાલુ રાખી વેપારીની પત્‍ની પર બળાતકર ગુજાર્યો હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાઇ છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જીવરાજ પાર્કમાં રહેતા અને આનંદનગરમાં કાફે ચલાવતાં મીનાબહેન (નામ બદલ્‍યું છે)એ બિટકોઇન અને વ્‍યાજનો ધંધો કરતા મનસુખ વડોદરિયા ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધમાં બળાત્‍કાર અને ગેરકાયદે નાણાં ધીરધારની ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ પ્રમાણે મનસુખ વડોદરિયા (રહે શ્રીહરિ બંગલો, ધુમા) મીનાબહેનની દુકાનથી ચા નાસ્‍તો તેમની ઓફિસે મગાવતા હતા. ગત વર્ષે સપ્‍ટેમ્‍બર મહિનામાં મીનાબહેન અને તેમના પતિને દુકાન લેવાની હોવાથી ડાઉન પેમેન્‍ટ ભરવા માટે મનસુખે સામેથી બે ટકા વ્‍યાજ પર રૂપિયા આપવાની વાત કરી હતી. વ્‍યાજે રૂપિયા આપતાં પહેલાં મનસુખે એક શરત મૂકી હતી કે બિટકોઇન વેચીને જે રૂપિયા આંગડિયા પેઢી મારફતે આવે તે મીનાબહેનના નામે મંગાવીશ. વ્‍યાજે રૂપિયા લેવાની લાલચે મીનાબહેને તેમના નામે આંગડિયાથી રૂપિયા મગાવવાનું શરૂ પણ કરી દીધું હતું. ફરિયાદ મુજબ તા.૨૨ સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ના રોજ મનસુખે રૂ. ૬.૨૦ લાખ બે ટકા વ્‍યાજે આપ્‍યા હતા. એક મહિના બાદ વ્‍યાજ આપવા જતાં મનસુખે ૧૦ ટકા વ્‍યાજની માગણી કરી હતી. મીનાબહેને પહેલાં મહિને ૬.૨૦ લાખ રૂપિયાનું ૬૨ હજાર રૂપિયા વ્‍યાજ મનસુખને આપી દીધું હતું. તા.૧૩ નવેમ્‍બર ૨૦૧૭ના રોજ મીનાબહેનના પતિએ મનસુખને વ્‍યાજે લીધેલા રૂપિયા પરત આપી દીધા હતા. તે પછી પણ મનસુખે દંપતી પાસેથી વ્‍યાજે રૂપિયા માગવાનું ચાલુ રાખ્‍યું હતું. મનસુખની ધાક એ હદે હતી કે મીનાબહેન અને તેમના પતિ ચુપચાપ વ્‍યાજ ભરતા રહ્યા હતા. એટલું જ નહી, થોડાક સમય પહેલાં મનસુખ મોડી રાતે મીનાબહેનના ધરે ગયો હતો અને તેમની સાથે દુષ્‍કર્મ આચર્યું હતું. મીનાબહેન સમયસર વ્‍યાજ નહીં ચૂકવતા તેના બદલામાં તેમના પર શારીરિક શોષણ કરતો હતો. મીનાબહેનને ઓફિસે બોલાવીને તેમના પર બળાત્‍કાર ગુજારતો હતો. ચાર પાંચ દિવસ પહેલાં મીનાબહેન પતિ સાથે કાફે પર હાજર હતાં ત્‍યારે મનસુખ ત્‍યાં આવી ગયો હતો અને વ્‍યાજે રૂપિયા આપ નહીં તો તારી પત્‍નીને એક રાત માટે મોકલજે તેવી ધમકી તેમના પતિને આપી હતી. મનસુખની ધમકી બાદ મીનાબહેન તેમની સાથે થયેલા બળાત્‍કારની વાત પતિને કહી દીધી હતી. તે પછી પતિ-પત્‍નીએ આનંદનગર પોલીસ સ્‍ટેશનમાં પહોંચી ગયાં હતાં. જ્‍યા પોલીસે તેમની ફરિયાદ દાખલ કરવાની જગ્‍યાએ અરજી લઇને સમાધાનની વાત કરી હતી. જેના પગલે મીનાબહેન ગઇ કાલે પોલીસ કમિશનર એ.કે.સિંધને મળવા માટે ગયાં હતાં. મીનાબહેનની રજૂઆત સાંભળ્‍યા બાદ પોલીસ કમિશનરે આનંદનગર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરને ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યા હતા અને ખાસ કરીને બિટકોઇન મામલે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાના આદેશ આપ્‍યા હતા.

(9:05 pm IST)