Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

હિંમતનગર બાયપાસ રોડ નજીકથી પોલીસે બાતમીના આધારે લકઝરીમાં લઇ જવાતો 20.57 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

હિંમતનગર:રાજસ્થાનમાંથી રોજબરોજ પાસ પરમિટ વિના દારૃ અને બિયરનો જથ્થો ગુજરાતના વિવિધ ગ્રામ્ય રસ્તાઓ પર થઈને લવાઈ રહ્યો છે ત્યારે ગુરૃવારે રાતે હિંમતનગર ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે હિંમતનગર બાયપાસ રોડ પર આવેલી ટોલટેક્ષ નજીકથી પસાર થતી એક લકઝરીના ગુપ્ત ખાનામાંથી રૃા.૨૦.૫૭ લાખનો ૩૭૦ પેટી દારૃનો જથ્થો ઝડપી લીધો હતો અને પાંચ જણા વિરૃધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

 


 રાજસ્થાનથી મુસાફરોની આડમાં વિદેશી દારૃ કોટડાછાવણીથી ખેડબ્રહ્મા, ઈડર થઈ હિંમતનગર તરફ લવાઈ રહયા હોવાની માહિતી મળ્યા બાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસના સ્ટાફે બાયપાસ રોડ પર આવેલી ટોલટેક્ષ નજીક નાકાબંધી કરીને ગુરૃવારે રાત્રે વાહન ચેકીંગ શરૃ કર્યુ હતુ.

દરમિયાન અહિથી પસાર થઈ રહેલી કોટડાછાવણીથી આવતી એક સ્લીપર કોચ લકઝરીમાં મુસાફરો ભરીને આવી રહી હતી ત્યારે તે શંકાસ્પદ જણાતા તેને ઉભી રખાવી ઝડતી લેતા લકઝરીમાં સીટો નીચે ગુપ્ત ખાનુ બનાવી તેમાં વિદેશી દારૃની ૩૭૦ પેટી પોલીસને મળી આવી હતી.બાદ પોલીસે લકઝરીમાં ભરેલો દારૃના જથ્થાની મોડી રાત સુધી ગણતરી કરીને રૃા.૨૦.૫૭ લાખની ૫૧૮૪ બોટલ કબ્જે લીધી હતી. અને લકઝરીના ચાલક, કલીનર તથા રાજસ્થાનના અન્ય ત્રણ શખ્સો વિરૃધ્ધ ગુનો નોંધીને પોલીસે અંદાજે રૃા.૩૨.૫૮ લાખનો દારૃનો જથ્થો કબ્જે લીધો હતો.

(5:50 pm IST)