Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મહેસાણામાં નીતિન પટેલના જન્મદિનની વિશેષ ઉજવણી, સુખડીથી તુલા કરી સુખડી કુપોષિત બાળકોને વિતરણ

કલેકટર પટેલ, ડીડીઓ દક્ષિણી, એસ.પી.માંડલિક, આર.એ.સી. મેરજા વગેરેએ શુભેચ્છા પાઠવી

ગઇકાલે મહેસાણાના કડી ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલના જન્મદિનની સેવાકીય પ્રવૃત્તિઓના સંગાથે ઉજવણી કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર તા. ૨૩ : નાયબ મુખ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ગઇકાલે તેમનો ૬૩ મો જન્મ દિવસ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવ્યો હતો. તેઓ ધણા વર્ષોથી તેમનો જન્મદિન સેવાકીય કામો દ્વારા જ ઉજવે છે તેમાય ખાસ કરીને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મહેસાણા, કડી અને પાટણ ખાતે યોજાયેલ રકતદાન કેમ્પમાં ૨૦૭૩ રકતદાતાઓએ રકતદાન કરી માનવસેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીના વતન કડી ખાતે સરદાર પટેલ યુવક મંડળ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ૯૩૬ રકતદાતાઓએ રકતદાન કર્યુ હતુ. મહેસાણા શહેરમાં ભારતીય જનતા પાર્ટી અને ક્રેડાઇના સંયુકત ઉપક્રમે યોજાયેલ રકતદાન શિબિરમાં ૮૭૪ રકતદાતાઓએ તેમજ પાટણ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત રકતદાન કેમ્પમાં ૨૭૬ રકતદાતાઓએ રકતદાન કર્યું હતુ. આમ કુલ- ૨૦૭૩ જેટલી વ્યકિતઓએ નાયબ મુખ્ય મંત્રશ્રીના જન્મદીન નિમીતે રકતદાન કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ છે. સાથે સાથે મહેસાણા ખાતે વેદમાતા બાલ પરિવાર ટ્રસ્ટ મહેસાણા સંચાલિત શ્રી શાંતિલાલ ભીખાભાઇ શુકલ આંખની હોસ્પિટલમાં આયોજીત નેત્રયજ્ઞ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઉપરાંત મહેસાણાની ગાયત્રી આંખની હોસ્પીટલ ખાતે ૭૦ કરતા વધુ દર્દીઓની મફત મોતીયાના ઓપરેશન અને નેત્રમણીની સુવિધા પુરી પાડવામાં આવી હતી. 

નાયબ મુખ્ય મંત્રીશ્રીના જન્મદીન નિમીતે મહેસાણા અને પાટણ ખાતેની બહેરા-મુંગાની શાળામાં બાળકોની વિવિધ ચીજ-વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. તેમજ મહેસાણાના વિવિધ સેવાભાવી નાગરિકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ૧૫૦૦૦ ડઝનથી વધુ નોટબુકોનું વિનામૂલ્યે  વિતરણ કરવામાં આવ્યુ હતું. મહેસાણા શહેરમાં કાર્યકરો દ્વારા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત જન્મદિવસને વિશિષ્ટ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રીશ્રીને સુખડીથી તોલવામાં આવ્યા હતા આ તમામ સુખડી કુપોષીત બાળકોને વિતરણ કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીને જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિક, નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા સહિત જિલ્લાના અધિકારીઓએ, વિવિધ સંસ્થાઓ, કાર્યકરો, સંગઠનો, એસોશિયેશનો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની સહિત આગેવાનો,કાર્યકરો, વિવિધ એસોશિયેશનોના કાર્યકરો, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)