Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ઉમરગામમાં ૬ કલાકમાં ૭ ઇંચઃગોહીલવાડમાં વરસાદનું આગમન

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમનઃ ઝાપટાથી ધોધમાર વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી, તા., ૨૩: દક્ષિણ ગુજરાતના ઉંમરગામમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. અને સવારના ૮ થી બપોરના બે વાગ્યા સુધીમાં ઉંમર ગામમાં ૬ કલાકમાં ૭ ઇંચ વરસાદ તુટી પડયો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું ગઇકાલથી આગમન થયું છે. અને ઝાપટાથી લઇને ધોધમાર વરસાદ કોઇ-કોઇ જગ્યાએ પડી રહયો છે.

આજે સવારના ૬ થી બપોરના ર વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં ૧૭ મી.મી., વાપીમાં ૧૦ મી.મી. અને પારડીમાં ૧૦.મી.મી. વરસાદ પડયો છે.

છેલ્લા ઘણા સમયથી જેની કાગડોળે રાહ જોઇ રહયા હતા તે મેઘરાજા હવે ધીમે-ધીમે ગુજરાત તરફ ગતી રહયા છે. અને હળવો-ભારે વરસાદ વરસી રહયો છે.

લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ભાવનગર જીલ્લામાં પણ મેઘરાજાએ આજે ભીમ અગીયારસનું મુહુર્ત સાચવ્યું છે અને સિંહોર પંથકમાં જોરદાર વરસાદ પડયો હતો. સિંહોર ઉપરાંત રાજપરા ખોડીયાર, નારી ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અને ઠંડો પવન ફુંકાતા ગરમીથી કંટાળી ગયેલા લોકોને રાહત થઇ છે. (૪.૨૬)

(2:47 pm IST)