Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

૨ જુલાઈનું સંમેલન ૨૪ જૂને બોલાવતા જ બાવળીયાને તાકીદે બોલાવાયા !!

ગઈકાલે સવારે રાજીવ સાતવ અને અશોક ગેહલોતને મળ્યા બાદ બપોરના રાહુલજીને ઘેર ચર્ચા થઈ અને પછી 'ઘીના ઠામમાં ઘી' !!: વજન નથી, ગણતા નથી અને કોઈ પૂછતુ નથી જેવી હૈયાવરાળ ઠાલવ્યાની ચર્ચાઃ હવે રાજીવ સાતવ સીનીયરોનો પ્રશ્ન સંભાળશે

રાજકોટ, તા. ૨૩ :. છેલ્લા બે ત્રણ દિવસથી માજી સાંસદ, ધારાસભ્ય અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બાવળીયાની નારાજગીનો મુદ્દો ભારે ગાજ્યો અંતે દિલ્હી હાઈકમાન્ડે તાકીદે બોલાવીને તેમની હૈયાવરાળ સાંભળતા રોષ ઠંડો પડયાનું અને હવે આવતીકાલના સંમેલનમં 'યહા પે શાંતિ હૈ'ની રાગ સાંભળવા મળશે. જો કે કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલનું સંમેલન રાજકીય અને સામાજીક સમાધાન માટેનું હોવાનું તો કરી જ ચુકયા છે.

પ્રદેશ કોંગ્રેસના સૂત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી કુંવરજીભાઈ બાવળીયા આડકતરી રીતે નારાજ ચાલી રહ્યા હતા. જાહેર હીસાબ સમિતિની વરણી હોય કે રાજકોટ જીલ્લા પંચાયતમાં તેના જુથનું વજન હોય આવી સંખ્યાબંધ બાબતોના કારણે કુંવરજીભાઈ કોંગ્રેસ મોવડી મંડળથી થોડા અડગા-અડગા રહેતા હતા.

છેલ્લા ઘણા સમયથી કુંવરજીભાઈ તેમના અંગત વર્તુળોમાં થોડી ઘણી નારાજગી પ્રગટ કરી રહ્યા હતા, પરંતુ જાહેરમાં કે અખબારોના ફોન ઉપાડવાથી દૂર રહેતા હતા તે ટાંકણે જ વિંછીયામાં સમાજના સક્રિય તથા મુખ્ય આગેવાનોનું સંમેલન બોલાવતા જ તેઓ કોંગ્રેસ છોડી રહ્યાનું અને ભાજપમાં જોડાઈ રહ્યાનું તથા હવે થનારા પ્રધાન મંડળના વિસ્તરણમાં પ્રધાનપદુ મેળવતા હોવાની ચર્ચાએ જોર પકડયુ હતુ. જો કે બાવળીયા જાહેરમાં કોઈ અફવાનું સમર્થન કે ખંડન કરવાથી દૂર જ રહ્યા હતા.

દરમ્યાન આગામી બે જુલાઈના રોજ વિંછીયામાં સંમેલન બોલાવવાની વાત વહેતી થતા જ સતર્ક થયા કોંગી હાઈકમાન્ડે તેમને ૨૫ કે ૨૬મીએ દિલ્હી ચર્ચા માટે બોલાવવા તખ્તો ગોઠવ્યો હતો પરંતુ તે દરમ્યાન જ જસદણ-વિંછીયાનું સંમેલન ૨૪મીએ બોલાવવામાં આવતા જ દિલ્હી હાઈકમાન્ડ તરફથી કુંવરજીભાઈને ૨૨મીએ સવારે દિલ્હી આવી જવા અને રાજીવ સાતવ,  અશોક ગેહલોત સાથે ચર્ચા કરી રાહુલ ગાંધીને રૂબરૂ મળવા તેડુ મોકલાયુ હતું.

દિલ્હી હાઈકમાન્ડનું આમંત્રણ મળતા જ કુંવરજીભાઈ ૨૨મીએ સવારે પ્રથમ રાજીવ સાતવ તથા અશોક ગેહલોતજીને મળીને રજુઆત તથા હૈયાવરાળ ઠાલવી હતી અને બપોરના રાજ્ય પ્રભારી સાતવ તથા પૂર્વ રાજ્ય પ્રભારી અશોક ગેહલોતની ઉપસ્થિતિમાં રાહુલ ગાંધી સાથે પંદરેક મીનીટ મુલાકાત કરી હતી.

એમ કહેવાય છે આકારા પાણીએ રહેલા કુંવરજીભાઈ બાવળીયા દિલ્હી હાઈકમાન્ડને મળ્યા બાદ ઠંડાગાર થયાનુ મનાય છે. તેમણે પાર્ટીમાં મારૂ કોઈ વજન નથી, કોઈ જવાબદારી સોંપાતી નથી કે મહત્વનો હોદ્દો નથી જે હોદો છે એ શોભાના ગાંઠીયા જેવો છે, મને કોઈ પૂછતુ નથી, હું જ નહી ઘણા સીનીયરો નારાજ છે તેવી હૈયાવરાળ રાહુલજી સમક્ષ ઠાલવ્યાનું મનાય છે. રાહુલ ગાંધીએ બાવળીયાને શાંતિથી સાંભળી કુંવરજીભાઈ તથા ગુજરાતના અન્ય સીનીયરોની વાત વ્યવસ્થિત રીતે સમજીને રાજ્ય પ્રભારી રાજીવ સાતવ જાતે જ બધુ જોઈ લેશે તેમ જણાવ્યાનું ચર્ચાય છે.

જો કે છાનાખૂણે તો પ્રદેશના બે ટોચના નેતા કોઈને વિશ્વાસમાં લેતા જ નથી એવી ટકોર પણ થયાનું મનાય છે પરંતુ તેને કોઈ પુષ્ઠી મળતી નથી.

દરમ્યાન મળતા અહેવાલો મુજબ કુંવરજીભાઈની દિલ્હી મુલાકાત બાદ હવે આવતીકાલે મળનારા કહેવાતા રાજકીય તથા સામાજીક સમાધાન માટેના સંમેલનમાં બધુ સારૂ - સારૂ જ થશે, કહેવાશે અને ચર્ચાશે તેમ મનાય છે.

જો કે કોંગ્રેસમાં એક ચોક્કસ જુથ એવી પણ છાનાખૂણે ચર્ચી રહ્યુ છે કે ચૂંટણી આવે એટલે ચોક્કસ જગ્યાએથી નારાજગીના સૂર હંમેશા ઉઠતા જ હોય છે.(૨-૭)

(11:44 am IST)