Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

૨૬ લોકસભા બેઠકોની રવિવારે સમીક્ષા સોમવારે અમિત શાહ લેસન આપશે

રૂપાણી, નીતિન પટેલ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં બે દિવસીય ચિંતન શિબિર

ગાંધીનગર તા. ૨૩ : ભારતીય જનતા પાર્ટીએ હવે તેની તમામ શકિતને લોકસભાની ૨૬ બેઠકોને પુનૅં કબજે કરવા પર કેન્દ્રિત કરી છે. લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે ગુજરાતમાંથી વધુ એક વખત તમામ બેઠકો કબજે કરવાની રણનીતિનો પાયો નાખવા માટે રવિવારથી બે દિવસ માટે છારોડી એસજીવીપી ગુરુકુળ ખાતે ચિંતન શિબિરનું ભાજપે આયોજન કર્યું છે.

આ શિબિરમાં રવિવારે પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં લોકસભાની તમામ ૨૬ બેઠકોની સમીક્ષા કરવામાં આવશે. સોમવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિતિમાં રાજકીય સમીક્ષાને આધારે માઇક્રો મેનેજમેન્ટ માટે સંગઠનને લેસન આપશે. આ બેઠક બાદ કેટલીક સંગઠનાત્મક જવાબદારીઓની પુનૅંરચના અને વિવિધ ટીમોના વિસ્તરણની શકયતા પણ જણાય છે.

ભાજપ માટે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની એક ડઝનથી વધારે બેઠકો વર્તમાન રાજકીય સ્થિતિની દૃષ્ટીએ જોખમી જણાય છે. વિધાનસભાની ચૂંટણીમાં આ બન્ને ઝોનમાં ભાજપને કમરતોડ ફટકો પડ્યો છે. નવી સરકાર રચાયા પછી હજુ પરિસ્થિતિમાં સુધાર થવાના સંકેત જણાતા ન હોવાથી હવે નવેસરથી બુથ મેનેજમેન્ટથી લઇને પ્રદેશ સ્તર સુધીની સંગઠનાત્મક જવાબદારીઓમાં કેટલાક ફેરફારો કરવા પડે તેમ છે. આ ઉપરાંત જિલ્લા અને લોકસભાની ટીમોને વધારે પ્રવાસો કરી નીચેના સ્તરે કાર્યકરોમાં પ્રવર્તતી નિરાશા, ખેડૂત, યુવા, મહિલા વર્ગની નારાજગીને દૂર કરવા માટે કાર્યકરોને બધુ સક્રિય કરવાની કામગીરી કરવાનું લેસન અપાશે. આ લેસનનું રોજેરોજનું રિપોર્ટિંગ અને મોનિટરિંગ રાષ્ટ્રીય સ્તરેથી કરવામાં આવશે, તેમ સંગઠનના એક વરિષ્ઠ નેતાએ અનામી રહેવાની શરતે જણાવ્યું હતું..

આ નેતાએ કબુલ્યું કે, હાલ સમગ્ર કામગીરી માત્ર ઉપરછલ્લી થઇ રહી હોવાની વિગતો રાષ્ટ્રીય સ્તરે પહોંચી છે એટલે જ અમિતભાઇની ઉપસ્થિતિમાં ચિંતન શિબિરમાં માત્ર અપેક્ષિત અને આમંત્રિતોને જ ઉપસ્થિત રાખવામાં આવશે. આ સિવાય કોઇ કાર્યકરને પ્રવેશ અપાશે નહીં. ચિંતન શિબિર એ ભાજપની સંગઠનની વ્યવસ્થાનો જ એક ભાગ હોવાથી મોટાભાગે આ બે દિવસની બેઠક ઇનકેમેરા જ થશે. અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદ નજીકના એક ખાનગી રિસોર્ટમાં આ બેઠક થઇ હતી. આ જ રીતે આ બેઠક થશે.

ચિંતન શિબિર બાદ બીજા દિવસને મંગળવારે સાંજે ભાજપ અધ્યક્ષ અમિતભાઇ મીસાવાસીઓના એક સંમેલનને સંબોધશે. અહીં નોંધવુ જરૂરી છે કે શનિવારે શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે મંડલ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજાશે.

(11:38 am IST)