Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સોમવારથી મેઘરાજાનું આગમન થાય તેવા એંધાણઃ સૌરાષ્‍ટ્ર અને દિવમાં હળવાથી મધ્યમ ઝાપટા પડશેઃ કચ્‍છના લોકોને વરસાદ માટે રાહ જોવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ માટે રાહ જોતા લોકો માટે ખુશીના સમાચાર છે. સોમવારથી દક્ષિણ ગુજરાત, દમણ અને દાદારા-નગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દીવમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની આગાહી છે. જો કે હજુ કચ્છના લોકોને વરસાદ માટે થોડી વધુ રાહ જોવી પડશે.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધારે વરસાદની આગાહી છે. તો આગામી દિવસોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા છે, જેથી અમદાવાદવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે.

સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચી જાય છે પરંતુ આ વર્ષે મોડું છે. રાજ્યના મહેસૂલ વિભાગના મતે, ઘણા વર્ષો બાદ ચોમાસું આટલું લંબાયું છે. 2015 અને 2017માં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં ચોમાસું બેસી ગયું હતું. જ્યારે 2016માં 21 જૂનથી વરસાદની શરૂઆત થઈ હતી.

(5:36 pm IST)