Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ચેક બાઉન્સ થવાના કેસમાં જયપુરના વેપારીને વ્હોટ્સએપથી સમન્સ મોકલાયુઃ બ્‍લુ ટીકની સાઇન પુરાવા તરીકે રજૂ કરાઇ

સુરતઃ સુરતના ભાઠેણામાં પેપર કપ અને ડિસ્પોઝલ આઈટમનો ધંધો કરતા આશિષ રાય જયપુરના વેપારી ગોપાલ કુમાર પાસેથી માલ ખરીદતા હતા. આશિષ રાય જે પ્રમાણે ઓર્ડર આપે તે મુજબ તેમને જયપુરથી માલ મોકલી આપવામાં આવતો હતો. જોકે, 2017માં આશિષભાઈએ ઓર્ડર આપ્યા બાદ તેની ડિલિવરી મળે તે પહેલા જ 1.30 લાખ ગોપાલ કુમારને ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.

પૈસા મળી ગયા બાદ ગોપાલે માલ ન મોકલતા આશિષભાઈએ પૈસાની ઉઘરાણી શરુ કરી હતી. જેના માટે ગોપાલ કુમારે 1.30 લાખ રુપિયાનો ચેક મોકલી આપ્યો હતો. જોકે, આ ચેક જ્યારે આશિષ રાયે બેંકમાં જમા કરાવ્યો ત્યારે તે બાઉન્સ થયો હતો. ચેક બાઉન્સ થતાં સુરતની લોકલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટમાંથી નીકળતું સમન્સ ગોપાલ કુમાર સુધી પહોંચતું નહોતું.

ગોપાલને સમન્સ ન મળતું હોવાથી કેસ પણ આગળ નહોતો ચાલતો. તેવામાં આશિષ રાયના વકીલે કોર્ટ પાસેથી આરોપીને વ્હોટ્સએપ દ્વારા સમન્સ મોકલવાની મંજૂરી માગી હતી. કોર્ટે મંજૂરી આપી દેતા ગોપાલ કુમારને વ્હોટ્સએપ પર સમન્સ મોકલાયું હતું. મેસેજમાં બ્લૂ ટિક આવતા આ સમન્સ ગોપાલ કુમાર સુધી પહોંચી ગયું હોવાનું પણ કોર્ટે સ્વીકાર્યું હતું.

(5:23 pm IST)