Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં પાંચ જેટલા ઉચ્ચ અધિકારીઓ પર ભ્રષ્ટ્રાચારના ગંભીર આરોપ લાગ્યા

આઇપીએસ અને આઇએએસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો : કેટલાક ઓફિસરો ભ્રષ્ટાચાર કરતાં ખચકાતા નથી

અમદાવાદ :  ગુજરાત સરકાર દ્વારા રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે તપાસથી આઇપીએસ લોબીમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને હવે સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર અને જીએડીના જોઇન્ટ સેક્રેટરી કે. રાજેશ સામે સીબીઆઇની તપાસ થતાં આઇએએસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ બન્ને લોબી એવી છે કે, જેમાં કેટલાક ઓફિસરો ભ્રષ્ટાચાર કરતાં ખચકાતા નથી.

  ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં કાંકીપતિ રાજેશ એવા પાંચમા અધિકારી છે કે, જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. અગાઉ મેટ્રોરેલ પ્રોજેક્ટમાં એમડી તરીકેની જવાબદારી નિભાવતા સંજય ગુપ્તાએ 2015માં 113 કરોડનું કૌભાંડ કર્યું હતું. પોલીસે તેમની ધરપકડ કરી હતી. 2018માં સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માને લાંચ લેવાના કેસમાં પકડવામાં આવ્યા હતા

આ વર્ષમાં પ્રમોટી આઇએએસ વી. જે. રાજપૂતને સસ્પેન્ડ કરી ભ્રષ્ટાચારના આરોપસર તપાસ શરૂ કરવામાં આવી હતી. છેલ્લે પત્ની હોવા છતાં દિલ્હીની યુવતી સાથે લગ્ન કરી બાળકના જન્મ બાદ તેણીને તરછોડી દેવાના નૈતિક અધપતન કેસમાં આઇએએસ ગૌરવ દહિયાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

કે. રાજેશની ચાલુ નોકરીએ સીબીઆઇએ દરોડો પાડીને ધરપકડ કરી છે. તેમના પત્ની આઇઇએસ અધિકારી છે. રાજેશ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં 136 જેટલી અરજી તેમજ ફરિયાદો થયેલી છે.

નવા અને જૂના સચિવાલય, જિલ્લાની સરકારી કચેરીઓ તેમજ બોર્ડ-નિગમની કચેરીઓમાં જ્યાં નોર્મ્સ વિના એટલે કે, મળવાપાત્ર ન હોય ત્યાં એરકન્ડીશન મશીન મૂકવામાં આવ્યા હોય તો તેને દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. સરકારે કરકસરના ભાગરૂપે આવો નિર્ણય કર્યો છે.

માર્ગ-મકાન વિભાગના વિદ્યુત એકમ તરફથી સચિવાલય સંકુલ, પાટનગર યોજના, રાજ્યના મહાનગરોમાં આવેલી સરકારી ઓફિસો, બોર્ડ-નિગમની કચેરીઓ સહિતની અન્ય સરકારી ઇમારતો માટે ઉચ્ચકક્ષાએથી થયેલા નિર્ણય પ્રમાણે તમામ કાર્યપાલક ઇજનેરો આ સૂચનાનું પાલન કરવા જણાવાયું છે. વિદ્યુત એકમે આદેશમાં વિભાગના વડાઓને કહ્યું છે કે, તેમના તાબાની કચેરીઓમાં જ્યાં નોર્મ્સ મુજબ એરકન્ડીશન મશીન મળવાપાત્ર થતું ના હોય તેવા મશીન દૂર કરવામાં આવે અને તે પ્રકારનો અહેવાલ તુરત માર્ગ-મકાન વિભાગમાં રજૂ કરવાનો રહેશે.

સરકારના અગાઉના પરિપત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, સચિવાલયમાં સંયુક્ત સચિવ અને તેની ઉપરના અધિકારીઓને એરકન્ડીશન મશીનની સુવિધા મળવાપાત્ર છે. એવી જ રીતે સચિવાલયની બહારની ક્ષેત્રિય કચેરીઓ માટે નવા પગારધોરણ પ્રમાણે 16 હજારથી 20,500 અથવા તેથી વધુ પગાર મેળવતા અધિકારીઓને આવી સુવિધા મળવાપાત્ર છે. આ પ્રકારની જોગવાઇ હોવા છતાં કેટલાક સરકારી વિભાગો અને બોર્ડ-નિગમમાં કેટલાક અધિકારીઓને આવી સુવિધા આપવામાં આવી છે. જેને પાછી ખેંચી લેવા વિભાગના વડાને કહેવાયું છે. આ સાથે એવો પણ આદેશ છે કે, કોઇ અધિકારી આ સૂચનાનો ભંગ કરશે તો તેને અંગત જવાબદાર ગણી ખાતાકીય પગલાં લેવામાં આવશે.

ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં હવે મુંબઇ સ્થિત લીલાવતી હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પાછળ 350 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું છે. સુપર મલ્ટી સ્પેશ્યાલિટી આ હોસ્પિટલનું બાંધકામ આ વર્ષે શરૂ થશે અને ત્રણ વર્ષમાં તે પૂર્ણ કરાશે. આ પ્રોજેક્ટ લાવવાનું શ્રેય ગિફ્ટ સિટીના એમડી તપન રે ને જાય છે. લીલાવતી હોસ્પિટલના ટ્સ્ટને ગિફ્ટ સિટીમાં ચાર લાખ ચોરસફુટ જગ્યા આપવામાં આવી છે. આ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સની સુવિધા પણ રાખવામાં આવશે. આ હોસ્પિટલના સ્થાપક ટ્રસ્ટીઓ તેમજ તેમના પરિવારજનો દ્વારા ગિફ્ટ સિટીમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

 

(7:47 pm IST)