Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં જમીન વેચાણ મુદ્દે ઠગાઈ આચરનાર 10 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી જમીનનો વર્ષો અગાઉ  વેચાણ દસ્તાવેજ થઈ ગયો હોય વિવાદિત જમીન અંગેનો દાવો ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ  હોવા છતાં બારોબાર જમીનનો 07.56  કરોડમાં સોદો કરી વેચાણ દસ્તાવેજ કરી નાખતા જમીન માલિકે પૂર્વ જમીન માલિકો વિરુધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે 10 આરોપીઓ સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતા  હિતેશભાઈ રસિકલાલ શાહે  ફરિયાદ નોંધાવી હતી કે, મારા  સ્વર્ગસ્થ પિતા રસિકલાલ મણીલાલ શાહને  આરોપીઓએ વર્ષ  1993 દરમિયાન સબ રજિસ્ટ્રારની કચેરીમાં વેચાણ બાનાખત અને ડેવલપમેન્ટ કરાર દંતેશ્વર ખાતેની સર્વે નંબર 414, 414/1, 410, 411, 412 વાળી જમીનના કરી આપ્યા હતા અને રદ ન થઈ શકે તેવું કુલ મુખ્યતાર પણ આપ્યું હતું. ઉપરાંત નોટરી જે.આર ભાવસાર આરોપીઓએ તમામ જમીનોનું બાનાખત કરી જમીન કબજા પાવતી પણ આપી હતી ત્યાર બાદ આરોપીઓ દ્વારા આ જમીન બાબતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ  કરવામાં આવતા મારા પિતા દ્વારા અદાલતમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો  સિવિલ કોર્ટના હુકમનું આરોપીઓ દ્વારા પાલન કરવામાં નહીં આવતા  અમે વારસદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ ગુજારી હતી. વિવાદિત આ જમીન અંગેની જાણ આરોપીઓને હોવા છતાં   ગેરકાયદેસર રીતેકલેકટરને રજુઆત કરી આ જમીન બીનખેતીની કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે. અને આરોપીઓએ વર્ષ-2020 દરમિયાન 07,56,18,600 રૂપિયાથી આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લીધો છે. ખોટા ડોક્યુમેન્ટ, ખોટી હકીકતો, ખોટી અરજીઓ, ટાઇટલ ક્લીયરન્સ સર્ટિફિકેટ મેળવ્યા વગર આરોપીઓએ કાવતરું રચી છેતરપિંડી કરી જમીનો વેચાણ આપી દીધી છે. જિલ્લા કલેકટર સમક્ષ ખોટી હકીકતો દર્શાવી જમીનો બિનખેતી કરવાનો હુકમ મેળવ્યો છે .

(7:17 pm IST)