Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વડોદરાના નવલખી મેદાનમાં કચરાના ઢગલામાંથી મુર્તિઓ મળતા હોબાળો

હિન્‍દુ ધર્મની લાગણી દુભાયાના આક્ષેપ સાથે હિન્‍દુ સંગઠનોમાં ભારે આક્રોશ

વડોદરા : ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં થોડા દિવસો અગાઉ એક વિદ્યાર્થી દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય કલાકૃતિ બનાવવાના મામલે ભારે હોબાળો થયો હતો. હજી તો પોસ્ટર વિવાદ સમ્યો નથી તે પેહલા શહેરમાં ફરી એક વખત દેવી દેવતાઓના અપમાનની એક ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાના નવલખી મેદાનમાં આવેલા કૃત્રિમ તળાવ નજીકથી દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ મળી આવી હતી. નવલખી મેદાનમાં કચરામાંથી મૂર્તિઓ મળી આવતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે. જેના કારણે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

પાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ શહેરના જુના પાદરા રોડ પર આવેલી કેટલીક ભગવાનની મંદિરો નાગરિકોને અંધારામાં રાખી રાતો-રાત તોડી પાડવામાં આવી હતી. તોડેલા મંદિરોનો કાટમાળ પાલિકાએ કચરામાં ફેંક્યો હોય તેવી ચર્ચા હાલ શહેરમાં ચાલી રહી છે. સાથે ધાર્મિક લાગણી દુભાતા લોકોમાં પ્રચંડ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. હનુમાનજી, ભાથીજી, સાંઈબાબાની પ્રતિમા કચરાના ઢગલામાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ગઈકાલે રાતથી જ હિન્દુ સંગઠનોના આગેવાનો અને શહેરના નાગરિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

તંત્ર સામે રોષે ભરાયેલા તમામ લોકોએ આખીલ રાત ધરણા પ્રદર્શન કરી સ્થળ પર જ રાતવાસો કર્યો હતો. નાગરિકોનો રોષ વડોદરા પાલિકા સામે આક્રોશનો ઉકળતો ચરું સાબિત થઈ રહ્યો છે. ત્યારે પોતાને ચુસ્ત હિન્દુ કહેનારા મેયર કેયુર રોકડીયાએ ગઈકાલ સુધી સ્થળ મુલાકાત લેવાની તસદી સુદ્ધાં લીધી ન હતી.

મેયર કેયુર રોકડીયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ આજે સવારે સ્થળ પર દોડી આવ્યા હતા. રોષે ભરાયેલા નાગરિકોને મનાવવા ભગવાનને ફૂલ હાર કર્યા હતા. મોડેમોડે જાગેલા શહેરના મેયર કેયુર રોકડીયાને જોતાની સાથે જ હિન્દુ સંગઠનો લાલઘુમ થયા હતા. ત્યારે એક સમયે સંગઠનના આગેવાન સ્વેજલ વ્યાસ અને મેયર સામસામે આવી ગયા હતા. આખરે મેયરે હિન્દુ સંગઠનોના આગેવાનો સામે બે હાથ જોડવાનો વારો આવ્યો હતો. ભારે ચર્ચા અને વિચારણા બાદ તમામ મૂર્તિઓને ફાયરબ્રિગેડની મદદથી તરસાલી ખાતે લઈ જવામાં આવી હતી. જોકે હિન્દુ સંગઠનો દ્વારા મૂર્તિઓ જ્યાંથી હટાવી ત્યાં પુનઃ સ્થાપના કરવાની રજૂઆત કરાતાં મેયર દ્વારા ઘટના અંગે તપાસ કરાવી મૂર્તિઓની પુનઃ સ્થાપના કરીશું તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

(6:46 pm IST)