Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આંતરરાષ્‍ટ્રીય ગ્રીન બિલ્‍ડીંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવેલ સુરતમાં વિશ્વના સૌથી વિશાળ ડાયમંડ બુર્સનુ કામ પુર્ણ

પાંચમી જુને ગણેશ સ્‍થાપના કરી ૪ર૦૦ ઓફીસના માલીકો એક સાથે આરતી કરશે

સુરત: આખરે વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. 5 જૂને સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરાશે. એટલું જ નહીં, ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે. આ ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે. અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.

સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે. આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે ત્યાર બાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે. 

ઉલ્લેખનીય છે કે, 5મી ડિસેમ્બર 2017થી ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ સુરત ડાયમંડ બુર્સનું વર્ષ 2022 સુધીમાં નિર્માણ પુરું થયું છે. જેના માટે 6000 કારીગરો, 9 મહાકાય ક્રેઈનની મદદથી બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું છે. દરરોજ 10 હજારથી વધુ સિમેન્ટના બેગના વપરાશથી ચાલી રહેલા બાંધકામના કારણે કુલ 9 ટાવરનું કોંક્રિટનું ફ્રેઈમ વર્ક સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે.

જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે અહીં 10 હજારથી વધુ ટુ વ્હીલર અને 4500થી વધુ ફોર વ્હીલર પાર્ક કરી શકાય તેવી પાર્કિગ વ્યવસ્થા રહેશે. 
15 એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરવામાં આવશે. તમામ લેન્ડસ્કેપ પંચ તત્વ થીમ પર ડિઝાઈન કરવામાં આવશે. 
ટાવર વચ્ચેની 3 વીઘા જગ્યામાં લેન્ડસ્કેપીંગ ડિઝાઈન, 4200થી વધુ ઓફિસને વ્યુ મળી શકશે. 
દરેક ઓફિસમાં તિજોરીનો લોડ ગણીને બિલ્ડીંગની ડિઝાઈનને આકાર અપાયો છે. અત્યાર સુધી આવું એક પણ કોમર્શિયલ પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું નથી. 
9 ટાવરની હાઈટ વધવાની સાથે તમામ એકબીજા સાથે જોડાયેલા હશે, જેના કારણે અન્ય સામાન્ય પ્રોજેક્ટની સરખામણીએ આ પ્રોજેક્ટમાં કોંક્રિટ અને સિમેન્ટનો વધુ ઉપયોગ થયો છે. 
અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધુ 66 લાખ ચોરસ ફૂટમાં ડાયમંડ બુર્સનું નિર્માણ થશે. 
બિલ્ડીંગમાં કુલ 128 ડેસ્ટિનેશન કંટ્રોલ લિફ્ટ મૂકવામાં આવશે. 

ક્ષેત્રફળ માટે જોવા જઇએ તો સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ઓફિસ હબ રહેશે. આ રેકોર્ડ અત્યાર સુધી શિકાગોના વિલિસ ટાવર પાસે હતો. જેનું ક્ષેત્રફળ 4,16,000 ચોરસ મીટર છે. જો વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફાની વાત થશે તો તે પણ બુર્સથી પાછળ રહી જશે. સુરત ડાયમંડ બુર્સનાં ડ્રીમ સિટીમાં હીરા વેપારીની સાથે અન્ય નાગરિકો માટે રહેવાની સુવિધા તેમજ આવાસ કોલોનીને બનાવવામાં આવશે. સ્કુલ, હોસ્પિટલ અને હોટલ માટે પણ જગ્યા હશે. સાથે જ મેટ્રો અને બીઆરટીએસ સાથે પણ જોડવામાં આવશે, જેથી ઝડપથી લોકો અહીં પહોંચી શકે. આમ ખરા અર્થમાં સુરત આર્થિક ગ્રોથ એન્જિન બનશે.

હાલમાં વાર્ષિક 1.50 લાખ કરોડનો સુરતના હીરા ઉદ્યોગનો એક્સપોર્ટ છે. સુરત ડાયમંડ બુર્સના બની ગયા પછી આ આંકડો વધી જશે. ત્યાં જ ખરીદ-વેચાણમાં ફાયદો થશે. આ પ્રોજેક્ટ શરૂ કરવાનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ જાય છે.

(6:17 pm IST)