Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સૌની યોજના દ્વારા જળાશય, ચેકડેમ નર્મદા નીરથી ભરાશે

લોકોને પીવાના પાણીની સમસ્યાને ઉકેલી લેવાશે : સૌરાષ્ટ્રના ૨૫ જળાશયો, ૧૨૦ તળાવો અને ૪૦૦ ચેકડો ભરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય

અમદાવાદ,તા.૨૩ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી સમાન સૌની યોજના અન્વયે સૌરાષ્ટ્રના રપ જળાશયો, ૧ર૦ તળાવો અને ૪૦૦થી વધુ ચેકડેમમાં હજાર મીલીયન ઘનફૂટ પાણી ઉદવહન (લીફટ) કરીને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના નિર્ણયને પરિણામે સૌરાષ્ટ્ર પ્રદેશના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળશે. એટલું નહિ, લોકોની પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ઢોર-ઢાંખરને પણ પાણી મળી રહેશે. મુખ્યમંત્રીના મહત્વપૂર્ણ નિર્ણયની જાણકારી મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આપી હતી. તેમણે સંદર્ભમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવેલ જળાશયો, તળાવો અને ચેકડેમોને ભર ઉનાળામાં ભરવા માટે અંદાજે ૪૦૦૦ મિલિયન ઘન ફુટ નર્મદાના નીર સિંચાઈ વિભાગ દ્વારા ઉદવહન કરીને નખાશે.

              આ કામગીરી ત્રણ તબક્કામાં ચાલી રહી છે મોરબીના મચ્છુ- જળાશયથી જામનગરના ઉંડ- જળાશય સુધીની લિંક-૧ની પૂર્ણ થયેલ કામગીરી દ્વારા મોરબી અને રાજકોટ જિલ્લાના તળાવો ભરવાની કામગીરીનો પ્રારંભ તારીખ ૨૧મી મે ૨૦૨૦થી શરૂ કરી દેવાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં 'સૌની' યોજનાની અન્ય ત્રણ લિંક કેનાલો દ્વારા તળાવો, જળાશયો, ચેકડેમો તબક્કાવાર આયોજનબદ્ધ રીતે ટૂંક સમયમાં ભરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જળાશયો, ચેકડેમો અને તળાવો ભરાવાથી ઉનાળાની સિઝનમાં ઢોરઢાંખરને પીવાના પાણી સહિત નાગરિકો માટે પણ પીવાના પાણીની સમસ્યાનો હલ થશે. સાથે-સાથે ભૂગર્ભજળ પણ રીચાર્જ થવાનો મહત્વનો ફાયદો થતાં સિંચાઇ માટે પાણી પણ મળી રહેશે.

            અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, સૌની યોજના અંતર્ગત તબક્કા-૧ની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તબક્કો- પૂર્ણતાને આરે છે અને ત્રીજા તબક્કાની કામગીરી પ્રગતિમાં છે.

(9:34 pm IST)