Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

લોકડાઉનમાં શરતો-નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે ઊદ્યોગો-વેપાર આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની: મુખ્યમંત્રી રૂપાણી

૩ લાખ ઊદ્યોગો પૂન: કાર્યરત થયા: રપ લાખથી વધુ લોકોને રોજગારી મળતી થઇ: સામાન્ય સંજોગોની એવરેજ વીજ ખપતના ૮ર ટકા ૭પ૦૦ મેગાવોટ વીજ કન્ઝમ્પશન થવા લાગ્યું : આઠ મહાનગરો-ર૪ નગરપાલિકાઓમાં ૮૩૪ સરકારી બાંધકામ પ્રોજેકટસમાં ર૬ હજાર શ્રમિકોને રોજી-રોટી મળી: મુખ્યમંત્રીના સચિવ આપી વિગતો

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકડાઉન-4ના અમલમાં કેટલીક શરતોને આધિન આપેલી છૂટછાટોને પગલે જનજીવન પૂર્વવત થવા લાગ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં વેપાર-ઊદ્યોગ, ખાનગી ઓફિસો, ધંધા-રોજગાર ફરીથી ધબકતા થવા લાગ્યા છે.એટલું જ નહિ, નાગરિકોએ સ્વયં શિસ્ત જાળવીને, સોશિયલ ડિસ્ટન્સીંગ, ફરજીયાત માસ્ક, ભીડભાડ ન કરવા સહિતના નિયમો સાથે રોજીંદી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રીના  સચિવ  અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપી હતી.
   રાજ્યમાં અત્યાર સુધીમાં ૩ લાખ જેટલા ઊદ્યોગોએ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને તેના પરિણામે અંદાજે રપ લાખ વ્યકિતઓ, શ્રમિકો, કામદારો, કર્મચારીઓને રોજગારી મળી છે. તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, રાજ્યમાં વેપાર-ઊદ્યોગો ફરીથી પૂર્વવત થવા લાગ્યા છે તેના પરિણામે અત્યાર સુધીમાં ૭પ૦૦ મેગાવોટ વીજળીનું કન્ઝમ્પશન-ખપત થઇ છે. આ કન્ઝમ્પશન એટલે કે ખપત સામાન્ય સંજોગોમાં થતી સરેરાશ-એવરેજ ખપતના ૮ર ટકા જેટલી છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં વેપાર, ઊદ્યોગો, રોજગાર પ્રવૃત્તિઓ માટે તબક્કાવાર જે છૂટછાટો આપી તેની વિગતો પણ અશ્વિનીકુમારે આપી હતી. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, તા.ર૦મી એપ્રિલથી નગરપાલિકા, મહાપાલિકા હદ વિસ્તાર સિવાયના ગ્રામીણ વિસ્તારોમાં ઊદ્યોગો પૂન: કાર્યરત કરવાની છૂટ અપાઇ હતી. તા.રપમી એપ્રિલથી એવા ઊદ્યોગો- એકમો જેમની પાસે એકસપોર્ટ ઓર્ડર હાથ પર હોય અને લોકડાઉનમાં કામગીરી અટકી હોય તેવા કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોના ઊદ્યોગોને શરૂ કરવા મુખ્યમંત્રીએ છૂટ આપી હતી.
   એટલું જ નહિ, તા.૩ મે થી રાજ્યની જૂનાગઢ, જામનગર મહાપાલિકા, સહિત ૧પ૬ નગરપાલિકા વિસ્તારોમાં પણ નિયમોના પાલન સાથે ઊદ્યોગો શરૂ કરવા દેવાની અનૂમતિ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી અને તે પછી તા.૧૪મી મેના દિવસથી રાજકોટ મહાનગરમાં કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ઊદ્યોગોને છૂટ આપવામાં આવી છે.
   મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ કે, તા.૧૯મી મે થી લોકડાઉન-4 માં પણ કેટલીક શરતો અને નિયમોને આધિન રહીને ઊદ્યોગો, વેપાર, ધંધા, બાંધકામ પ્રોજેકટસ શરૂ કરવાની મોટાપાયે છૂટ આપવામાં આવેલી છે.
તેમણે કહ્યું કે, રાજ્યભરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય ના વિસ્તારોમાં બાંધકામ પ્રોજેકટસ પણ પૂન: ધબકતા થયા છે અને શ્રમિકોને મોટાપાયે રોજગારી મળતી થઇ છે.
આ અંગેની વિગતોમાં મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં ખાનગી બાંધકામના ર૬૪ પ્રોજેકટ અત્યાર સુધીમાં શરૂ થયા છે અને ર૧૭ર૭ શ્રમિકો તેમાં રોજગારી મેળવતા થયા છે.
અશ્વિનીકુમારે રાજ્ય સરકારના અને મહાનગરોના સત્તાતંત્રોના બાંધકામ પ્રોજેકટસ, મેટ્રોરેલ પ્રોજેકટ, સુરતમાં ડાયમન્ડ બ્રુશ પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના તથા EWS આવાસ યોજના સહિતના પ્રોજેકટ એમ ૮ મહાનગરો તથા ર૪ જેટલી નગરપાલિકાઓમાં સમગ્રતયા અત્યાર સુધીમાં ૮૩૪ પ્રોજેકટસ કાર્યરત થયા છે તેમ જણાવ્યું હતું.
આ પ્રોજેકટસમાં પણ રપ,૮પપ શ્રમિકોને રોજગારી મળી રહી છે. આવા પ્રોજેકટસમાં ૧૮,૩૭૬ શ્રમિકોને બાંધકામ સ્થળે જ રહેવા-જમવા સહિતની સુવિધા આપવામાં આવે છે.
મુખ્યમંત્રીના સચિવે એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જનજીવન ઝડપભેર થાળે પડે, આર્થિક-વાણિજ્યીક પ્રવૃત્તિઓ વેગવંતી બને સાથોસાથ ઊદ્યોગકારો, શ્રમિકો, સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમો, ફરજીયાત માસ્ક ઉપયોગ, ફેકટરી કે કામકાજના સ્થળનું સેનીટાઇઝેશન, કામદારો-કર્મચારીઓનું કામકાજના સ્થળે થર્મલગન સહિતનું સ્ક્રીનીંગ અને કામ પર આવવા-જવાના કલાકો પણ સ્ટેગર્ડ કરીને જનજીવન પૂર્વવત કરવામાં તથા અર્થતંત્રની ઊદ્યોગોની રફતાર વધુ ગતિવાન બનાવવામાં સહયોગ આપે તેવી આપેક્ષા રાજ્ય સરકાર રાખે છે.

(8:56 pm IST)