Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

નર્મદાના નીરથી રપ ડેમો, ૧ર૦ જળાશયો ભરાશેઃ રાજયમાં ૩ લાખ ઉદ્યોગો ધમધમ્યા : રપ લાખ શ્રમિકોને રોજગારી

કાલે માસ્ક પહેરેલી સેલ્ફી લઇને સોશ્યલ મીડિયામાં મુકો : ઉદ્યોગોમાં સામાન્ય દિવસોમાં વપરાતી વીજળીનો ૮ર ટકા વપરાશ અત્યારેઃ અશ્વિનીકુમાર

રાજકોટ, તા. ર૩ :  રાજય સરકારે સૌની યોજના અંતર્ગત લોકોને પીવાના પાણીની દૃષ્ટિએ ઉનાળો હેમખેમ પાર ઉતરાવા સૌરાષ્ટ્રનાં ડેમો અને ચેકડેમોને નર્મદાના નીરથી ભરવાનું નક્કી કર્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના આ નિર્ણયની વિગતવાર માહિતી આજે તેના સચિવ શ્રી અશ્વિનીકુમારે આપી છે. ઉપરાંત  રાજયમાં ૩ લાખ જેટલા ઉદ્યોગો ધમધમતા થઇ ગયાનું તેમણે જણાવ્યું હતું.

શ્રી અશ્વિનીકુમારે જણાવેલ કે સૌની યોજના સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન છે. તેના અંતર્ગત સૌરાષ્ટ્રનાં રપ થી વધુ જળાશયો, ૧ર૦ તળાવો અને ૪૦૦ ચેકડેમો, ૪ હજાર મીલીયન ઘન ફૂટ પાણીથી ભરવામાં આવશે.  તેની એક લીંકનો પ્રારંભ થઇ ગયો છે. ૩ લીંકમાંથી પાણી હવે પછી છોડાશે.

મુખ્યમંત્રીના સચિવએ જણાવેલ કે લોકડાઉનમાં તબક્કાવાર છુટછાટ અપાયા પછી અત્યારે રાજયમાં ૩ લાખ જેટલા ઉદ્યોગ એકમો શરૂ થઇ ગયા છે જેમાં રપ લાખથી વધુ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. ઉદ્યોગોમાં દરરોજની ૭પ૦૦ મેગાવોટ વિજળી વપરાય રહી છે. સામાન્ય દિવસોમાં જેટલો વીજ વપરાશ થતો હોય તેના પ્રમાણમાં આ ૮ર% વપરાશ છે. આંકડાઓ દર્શાવે છે કે રાજયમાં ઉદ્યોગિક ગતિવિધીઓ વધી રહી છે. બાંધકામનાં ર૬૪ પ્રોજકટ ચાલુ થઇ ગયા છે. જેમાં ર૧૭ર૭ શ્રમિકો કાર્યરત છે.

તેમણે જણાવેલ કે હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત આજે જાણીતા મ્યુઝિક કમ્પોઝર સચિન જીગર સાંજે ૬ થી ૬.ર૦ વચ્ચે ઓનલાઇન પોતાના વિચારો વ્યકત કરશે. આવતીકાલે પરિવારના સભ્યો સાથે માસ્ક પહેરી સેલ્ફી લઇ તે સોશ્યલ મીડીયા પર અપલોડ કરવામાં આવે તેવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અપીલ છે.

(3:58 pm IST)