Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ફળોના રાજા કેરીને કોરોનાનું ગ્રહણઃ દક્ષિણ ગુજરાતમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ

લોકડાઉનમાં ૩ હજાર ટનનું જ વેંચાણઃ ગત વર્ષની સરખામણીએ ૩૦ ટકા પાક ઓછો

રાજકોટ તા. ર૩: ઉનાળામાં ફળોના રાજા કેરીનું ધુમ વેંચાણ થતું હોય છે પરંતુ આ વર્ષે કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કરોડોનું નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૭ હજારથી વધુ ખેડુતોને ગત વર્ષની સરખામણીએ કેરીમાં રોનક ઓછી જોવા મળી રહી છે. ર૦૧૯માં ૧૯ કરોડ કિલો કેરીનું વેંચાણ કરનાર સુરત માર્કેટ યાર્ડ ર૦ર૦માં લોકડાઉન બાદ માત્ર ૬૦ લાખ કિલો કેરીનું વેંચાણ થયું છે. દર વર્ષ માર્ચ ર૦ થી એપ્રિલ ૩૧ સુધીમાં પ૦ દિવસમાં લાખો કિવન્ટલ કેરી વેચનાર વેપારીઓ આ મહામારીને લઇ લાચાર દેખાય છે.

સુરતમાંથી દર વર્ષે કેરીની સીઝનમાં ૧૦ ટન એકસપોર્ટ થતી કેરી થાય છે. પરંતુ હાલની કોરોનાની મહામારીમાં વિદેશમાં કેરી મોકલવાનું મુશ્કેલ હોય વેપારીઓ ચિંતિત છે. ર૦૧૯માં ૬૦ થી ૭૦ ટકા કેરીનો પાક હતો જે ર૦ર૦માં ૩૦ થી ૩પ ટકા જ પાક થયો છે. લગભગ ૯ કરોડ કિલો હાલ કેરી વાડીઓમાં આંબા પર લટકી રહી છે.

માર્ચ એન્ડ અને એપ્રિલના પ્રારંભે અથાણાની કેરી આવવાનું શરૂ થતી પરંતુ આ વર્ષે એપ્રિલ માસ પૂર્ણ થતા અથાણાની કેરી આવી છે.

(3:32 pm IST)