Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ટેકાના ભાવે ચણાની ખરીદીના ૬૭ પૈકી ૩૨ કેન્દ્રો બંધ : 'લક્ષ્યાંક' વધારવા માટે કેન્દ્રમાં રજૂઆત

૧.૪૮ લાખ ખેડૂતોએ નોંધણી કરાવેલ, તેમાંથી એકાદ લાખ બાકી રહી ગયા

રાજકોટ તા. ૨૩ : રાજ્યમાં સરકાર વતી ગુજકોમાસોલ દ્વારા તા. ૧ મે થી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવેલ. જેના અડધા જેટલા કેન્દ્રો બંધ થઇ જતાં ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઇ છે. કેન્દ્ર સરકારે આપેલા લક્ષ્યાંક મુજબ જે કેન્દ્રમાં ૨૫% જેટલી ખરીદી થઇ ગઇ હોય ત્યાંના કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ લક્ષ્યાંકની મર્યાદા વધારવા રાજ્ય અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. રાજ્ય સરકારે પણ આ અંગે કેન્દ્રમાં દરખાસ્ત કર્યાનું જાણવા મળે છે.

નાગરિક પુરવઠા નિગમ દ્વારા ચણા પકાવતા ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. તે વખતે ૧.૪૮ લાખ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા નોંધણી કરાવેલ. આ કામગીરી ગુજકોમાસોલને સોંપવામાં આવેલ. કુલ ૯૬ કેન્દ્રો મંજુર થયેલ તે પૈકી ૧૪ જેટલા કેન્દ્રોમાં ૫૦થી ઓછા ખેડૂતોએ નોંધણી કરાવેલ તેથી તેને નજીકના કેન્દ્રોમાં જોડી દેવામાં આવેલ. ૧૨ કેન્દ્રો એવા હતા ત્યાં એકપણ ખેડૂતે નોંધણી કરાયેલ નહિ. બાકીના ૬૭ કેન્દ્રોમાં ખરીદી શરૂ કરવામાં આવેલ. જે તે વિસ્તારના કુલ ઉત્પાદનના ૨૫% જથ્થા સુધી ટેકાના ભાવે ખરીદી કરવી તેવો સરકારનો નિયમ છે તે મુજબ ૩૫ જેટલા કેન્દ્રોમાં લક્ષ્યાંક મુજબની ખરીદી પૂર્ણ થઇ જતાં તે કેન્દ્ર બંધ કરવામાં આવેલ છે. ૩૨ જેટલા કેન્દ્રોમાં હજુ ખરીદી ચાલુ છે. ૧.૪૮ લાખ પૈકી ૫૦ હજાર જેટલા ખેડૂતો પાસેથી જ ચણા ખરીદી શકાયા છે. ૧ લાખ જેટલા ખેડૂતો ચણા વેચવાથી વંચિત રહી ગયા છે. આ ખેડૂતો માટે સરકાર અને ગુજકોમાસોલે કરેલ રજૂઆતને કેન્દ્ર માન્ય રાખે તો બંધ થયેલા ખરીદી કેન્દ્રો ફરી શરૂ થઇ શકશે.

(2:52 pm IST)