Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વડોદરા-અમદાવાદથી એર ઇન્ડિયાની ફલાઇટ શરૂ થશે: સુરતનો સમાવેશ નહિ કરતા કચવાટ

એરઇન્ડિયાએ ઠેંગો બતાવ્યો : ઇન્ડિગોએ 7 ફ્લાઈટની માંગ કરી : સ્પાઇસ જેટે પણ ત્રણ રૂટની માંગ કરી

સુરત : સિવિલ એવિએશન મંત્રાલયે 25 મેથી દેશભરના ડોમેસ્ટિક એરપોર્ટથી 33 ટકા ફલાઇટ ફરી ઓપરેટ કરવાની જાહેરાત કરી એરલાઇન્સને 33 ટકા પ્રમાણે ફલાઇટ ચલાવવા સત્તા આપી હતી. તે મુજબ સુરત એરપોર્ટથી ઇન્ડિગો 7 અને સ્પાઇસ જેટ 5 ફલાઇટ શરૂ કરવા સ્લોટની માંગણી કરી છે. નવાઇની વાત એ છે કે સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ અમદાવાદ અને વડોદરાથી ફલાઇટ ચલાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ સુરત એરપોર્ટથી ઓગષ્ટ સુધી કોઇ પણ ફલાઇટની માંગણી કરી નથી. તેને કારણે સુરતીઓને આંચકો લાગ્યો છે.

એર ઇન્ડિયા દ્વારા સવારે અને સાંજે દિલ્હીની બે ફલાઇટ, મુંબઇની એક અને ભુવનેશ્વર-સુરત બેંગ્લોરની સપ્તાહમાં બે દિવસની ફલાઇટ ચાલતી હતી. તે હિસાબે સુરતથી એક ફલાઇટ એર ઇન્ડિયાની શરૂ થવી જોઇતી હતી. પરંતુ એર ઇન્ડિયાએ સુરતથી એક પણ ફલાઇટને સ્લોટની ઓગષ્ટ સુધી માંગણી કરી નથી. તેને લીધે ઇન્ડિગોએ સુરત-દિલ્હી સવાર-સાંજની બે ફલાઇટ, બેંગ્લોરની એક, ગોવાની રીટર્ન ફલાઇટ, ચેન્નઇ ભોપાલની એક-એક ફલાઇટ મળી 7 ફલાઇટના સ્લોટની માંગ કરી છે. એવી જ રીતે સ્પાઇસ જેટે સુરતથી દિલ્હી સવારની સાંજની ફલાઇટ, જયારે હૈદરાબાદની બપોરની, મુંબઇની સવારની ફલાઇટની માંગ કરી છે.

(1:18 pm IST)