Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

૧૦ એકાઉન્ટ-ફેસબુકનું આખુ પેઇજ તથા ૮ ગૃપ એડમીન વિરૂધ્ધ ફેસબુક ઓથોરીટીને ફરીયાદ

કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય જગાવતી પોસ્ટોમાં નવો વણાંકઃ અંતે સાયબર ક્રાઇમ દ્વારા ગુન્હા દાખલ : કેવાયસીના નામે જાણીતા એડવોકેટ સાથે ૧૦ લાખની ઓનલાઇન ઠગાઇના પ્રકરણમાં તપાસનો ધમધમાટઃ ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૨૩: લોકડાઉન દરમિયાન રાત-દિવસ જાનના જોખમે ફરજ બજાવતી પોલીસ ઉપર વિવિધ નિયમોના ભંગ બદલની કાર્યવાહી કરવા સાથે સોશ્યલ મીડીયા (ફેસબુક-વોટસએપ)વિગેરે પર નજર રાખવાની મહત્વની જવાબદારી સુપ્રત થયાના પગલે ફેસબુકના વધુ ૧૦ એકાઉન્ટ કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય જાગે તેવી વિવાદાસ્પદ  પોસ્ટો મુકવા બદલ સસ્પેન્ડ કરવાની ભલામણ  ફેસબુક ઓથોરીટીને કરવા સાથે ગુન્હા દાખલ થયાનું સાયબર ક્રાઇમના ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

ડો.રાજદીપસિંહ ઝાલાએ વધુમાં જણાવેલ કે ૮ ગૃપ એડમીન અને ફેસબુકનું આખુ પેઇજ સ્ટોપ કરવા માટે પણ ફેસબુક ઓથોરીટીને પણ ભલામણ થયાનું જણાવેલ. અત્રે યાદ રહે કે કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય,  કોરોના વાયરસ સંદર્ભે દવાઓ શોધાયાના ખોટા મેસેજો, ચોક્કસ ધર્મના લોકો વિરૂધ્ધ ખોટા મેસેજો મુકવા સહીતની બાબતે અત્યાર સુધીમાં સંખ્યાબંધ કેસો નોંધાયા છે.  દરમિયાન સુપ્રિમ કોર્ટના એક સમયના જસ્ટીસના પુત્ર અને અમદાવાદના જાણીતા  એડવોકેટ સાથે કેવાયસીના નામે ૧૦ લાખની છેતરપીંડી સાયબર માફીયાઓ દ્વારા થયાના મામલામાં પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસનો  ધમધમાટ ચાલી રહયો છે.

(11:57 am IST)