Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

'ટેસ્ટની સંખ્યા વધારી તો ૭૦%નો રિપોર્ટ પોઝિટિવ આવશે' : જે લોકોમાં ભય પેદા કરશે

ગુજરાત હાઇકોર્ટમાં આક્રમક દલીલો થઇ

અમદાવાદ તા. ૨૩ : કોવિડ-૧૯ના અસિમ્પ્ટમેટિક (લક્ષણો ના દેખાતા દર્દી) દર્દીઓને ટેસ્ટ કર્યા વિના જલદી ડિસ્ચાર્જ આપવા અને ઘટેલા ટેસ્ટિંગ બાબતે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં આક્રમક દલીલો થઈ. એડવોકેટ જનરલે કહ્યું, 'જો તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવે તો ૭૦ ટકાનો રિપોર્ટ પોઝિટિવ આવે. આ સ્થિતિ નાગરિકોમાં માનસિક ભય પેદા કરી શકે છે.'

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સિનિયર એડવોકેટ અનિષ દેસાઈ વચ્ચે હાઈકોર્ટમાં દલીલો થઈ હતી. અનિષ દેસાઈના કલાયન્ટે નવી ડિસ્ચાર્જ પોલીસી અને ગુજરાતમાં ઘટેલી ટેસ્ટની સંખ્યા સામે વાંધો ઉઠાવ્યો છે. એડવોકેટ દેસાઈએ વધુ ટેસ્ટ અને પોઝિટિવ આવેલા દર્દીઓના પરિવારનો પણ ટેસ્ટ કરવા પર ભાર આપ્યો હતો. જયારે એડવોકેટ ત્રિવેદીએ આ મુદ્દે વાંધો ઉઠાવ્યો અને કહ્યું, જો વધુ ટેસ્ટ કરવામાં આવશે તો અમદાવાદમાં ૭૦ ટકા લોકો પોઝિટિવ નીકળશે. જેના કારણે નાગરિકોમાં માનસિક ભય પેદા થશે.

આ દલીલ સામે એડવોકેટ દેસાઈએ પ્રશ્ન કરતાં પૂછ્યું, સરકારને આ બાબતથી શા માટે ફરક પડવો જોઈએ. તેમણે આગળ દલીલ કરતાં કહ્યું, 'સરકારે વધુ સારી તૈયારી સાથે આ સ્થિતિનો સામનો કરવો જોઈએ. આપણે હોસ્પિટલોમાં જગ્યા મેળવવા માટે લડી રહ્યા છીએ. મહારાષ્ટ્રે ૮૦ ટકા ખાનગી હોસ્પિટલોના બેડ હસ્તગત કર્યા છે.' તેમણે એવી ખાનગી હોસ્પિટલોના ઉદાહરણ ટાંકયા જેમણે આ એપેડેમિકને લગતા સરકારે બનાવેલા નિયમો પાળવાનો ઇનકાર કરી દીધો. સાથે જ ભારપૂર્વક કહ્યું કે, ખાનગી હોસ્પિટલોને હસ્તગત કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવનારી ખરાબ સ્થિતિ સામે લડી શકાય.(૨૧.૧૨)

 

(11:13 am IST)