Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વૃદ્ધનું મોત થતાં હોસ્પિટલ સ્ટાફે અંતિમ સંસ્કાર કર્યા

મૃતકના પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ : મૃતકના પરિવારના સભ્યો બિમાર હોવાથી હોસ્પિટલના સ્ટાફે વૃદ્ધના અંતિમ સંસ્કાર કર્યા : માનવતાનો દાખલો

અમદાવાદ, તા. ૨૨ : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાએ પગપેસારો કર્યાે છે. ગુરુવારે સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ લોકો મૃત્યુ પામ્યા છે. કેસની સાથે સાથે મૃત્યુના આંકડા પણ સતત વધી રહ્યા છે. અમદાવાદમાં ૮૫ વર્ષીય વાડીલાલ ગાંધીનું કોરોનાથી મોત થતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. ગાંધીના પરિવારના સભ્યો કોરોનાની ઝપેટમાં આવી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી હાજર રહી શક્યા નહોતા અને સંબંધીઓ પણ ન પહોંચી શકતા આખરે IKDRC હોસ્પિટલના સ્ટાફે તેમના અંતિ સંસ્કાર કર્યા હતા. વાડીલાલ ગાંધી કોરોના વાયરસના દર્દી હતાં અને IKDRCહોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં. ગાંધીના પુત્ર કિરિટ સહિત પરિવાર ૩ સભ્યોનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુધવારે વાડીલાલ ગાંધીનું અવસાન થતા તેમના પુત્ર કિરીટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કિરેટ જણાવ્યું હતું કે, તેના પિતાના યોગ્ય રીતે અંતિમ સંસ્કાર થાય તે માટે ઘણા સંબંધીઓને બોલાવ્યા પણ કોઈ આગળ આવ્યું નહોતું.

            IKDRC ના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, IKDRC ના ડિરેક્ટર ડૉ. વિનિત મિશ્રાના માર્ગદર્શન હેઠળ ગાંધીના મતૃદેહને હોસ્પિટલથી સ્મશાનગૃહ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવીહતી. ગાંધી પરિવાર વતી સ્ટાફના પાંચ સભ્યોને મૃતદેહને હોસ્પિટલથી સ્મશાનગૃહ સુધી લઈ ગયા હતા. IKDRC અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ પીડિતોના અંતિમ સંસ્કાર માટેના તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.

(9:34 pm IST)