Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કોરોનાગ્રસ્ત પોલીસ કર્મીની અલગ વ્યવસ્થા અંગે વિચારણા

પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય : આગામી સમયમાં નરોડાની શેલબી હોસ્પિટલમાં પોલીસ કર્મચારીઓને સારવાર મળે તેવું આયોજન થઈ રહ્યું છે

અમદાવાદ, તા. ૨૨ : કોરોનાની મહામારીમાં પ્રજાની વચ્ચે જઈને કામ કરનાર વોરિયર્સ એવા પોલીસને અનેક ખરાબ અનુભવ થયા છે. જ્યારે પોલીસને કોરોના પોઝિટીવ આવે ત્યારે તેઓને એસવીપી અને સિવિલ હોસ્પિટલના ખરાબ અનુભવ થયા છે. કોરોનાને કારણે શહિદ થયેલા એ.એસ.આઈ ગોવિંદભાઈને પણ એડમિટ કરવા એસવીપીના ડૉક્ટરોએ ના પાડી હતી. જ્યારે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હેન્ડ કોન્સ્ટેબલ વિષ્ણુરાજને પણ એસવીપીનો કડવો અનુભવ થયો હતો. હવે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પોલીસકર્મીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આવનાર સમયમાં નરોડાની શેલબી હોસ્પિટલમાં પોલીસકર્મીઓને સારવાર અપશો તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવી ચૂકેલા એ.એસ.આઈ. ગોવિંદભાઈનું કોરોનાને કારણે મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને તેમના પુત્ર અભિષેકે જણાવ્યું કે, ગત ૧૩મી તારીખે ગોવિંદભાઈને કોરોના પોઝિટીવ આવ્યો હતો. શરૂઆતમાં તેમણે ખાનગી ડૉક્ટરને બતાવ્યું હતું પણ બાદમાં તેઓને એસવીપીમાં લઈ જવામાં આવ્યા હતાં.

          કોરોના વોરિયર્સ એવા ગોવિંદભાઈને એસવીપીના ડૉક્ટરોએ બેડ ખાલી ન હોવાથી દાખલ કરવાની ના પાડી દેતા પરિવાર દુવિધામાં મુકાયો હતો. ઝોન-૪ ડીસીપી નીરજ બુડગુજર અને ક્રાઈમ બ્રાન્ચના સ્પેશયલ પોલીસ કમિશનર અજય તોમરની મદદથી તેઓને સિવિલમાં લઈ જવાયા હતાં. ત્યાં તેમને સારી ટ્રીટમેન્ટ તો મળી પણ બાદમાં જે દિવસે તેઓને રાત્રે વેન્ટિલેટર પર રાખ્યા ત્યારે તેમના દીકારા સાથે જમી લઈશ ચિંતા ન કરો તેવી છેલ્લી વાત થઈ હતી. પણ કોરોનાની સારવાર સામે ગોવિંદભાઈ હારી ગયા અને તેઓ શહીદ થયા હતાં. ટ્રાફિકના એચ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કો.વિષ્ણુરાજને પણ આવો જ કડવો અનુભવ થયો હતો. તેમનો ટેસ્ટ ન કરતા ખાનગી લેબમાં પોતાના ખર્ચે ટેસ્ટ કરાવ્યો હતો. અને હવે તેમને લક્ષણો ન દેખાતા તેમને ઘરે ક્વોરન્ટાઈન થવાનું ડોક્ટરોએ કહેતા તેઓ તેમની અને પરિવારની ચિંતામાં મુકાયા છે. આવી અનેક સમસ્યાઓનો ભોગ પોલીસ બની હતી. જેથી આ બંને હોસ્પિટલ સિવાય નરોડા ખાતે આવેલી શેલબી હોસ્પિટલમાં પોલીસ માટે ખાસ સારવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું અમદાવાદ કંટ્રોલ ડીસીપી વિજય પટેલે જણાવ્યું છે. આગામી સમયમાં  પ્રાઈવેટ હોસ્પિટલ સાથે પણ સંકલન કરીને નવી વ્યવસ્થા પોલીસ માટે ઊભી કરાશે.

(9:36 pm IST)