Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ચાવડા સિવાયના તમામની ઉમેદવારની ડિપોઝિટ જપ્ત

ગાંધીનગર બેઠકના પરિણામોની સાથે સાથે હકીકતઃ ગાંધીનગરમાં શાહ વિજયી, બીજા નંબરે કોંગ્રેસના સીજે ચાવડાને મત, ત્રીજા નંબરે નોટામાં ૧૩,૯૫૪ મત પડયા

અમદાવાદ, તા.૨૩: લોકસભાની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જંગી બહુમતી સાથે વિજયી થયા છે. આ બેઠક પર કુલ ૧૭ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતા. જેમાં ભાજપના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા સિવાય તમામ ઉમેદવારોને ખુબ જ ઓછા મત મળતા તમામની ડિપોઝિટ જપ્ત થઈ જશે. સૌથી મહત્વની અને રસપ્રદ બાબત એ છે કે, ગાંધીનગર લોકસભા બેઠક પર ત્રીજા નંબરે કોઇ અન્ય ઉમેદવાર કે અપક્ષને નહી પરંતુ નોટામાં મત પડ્યા હતા.ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં ભાજપના ઉમેદવાર અમિત શાહને ૮,૮૮,૨૧૦ મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને ૩,૩૩,૬૪૨ મત મળ્યા હતા. જ્યારે નોટામાં ૧૩,૯૫૪ મતો પડ્યા હતા. તે સિવાયના તમામ ૧૫ ઉમેદવારોને સાત હજાર કરતા પણ ઓછા મત મળ્યા હતા. આ બેઠકમાં સૌથી ઓછા મત અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને માત્ર ૬૮૭ મત મળ્યા છે. આમ, ગાંધીનગર બેઠક વિજયી અમિત શાહ અને તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર સી.જે.ચાવડા સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝીટ સુધ્ધાં ડૂલ થશે એટલી હદે ભાજપ અને શાહનું બુલડોઝર ફરી વળ્યું હતું.

(10:06 pm IST)