Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગાંધીનગર સીટ પર અમિત શાહનો ઐતિહાસિક વિજય

અમિત શાહે ૫૫૪૫૬૮ મત સાથે રેકોર્ડ તોડ્યોઃ અમિત શાહની જોરદાર જીતના માનમાં ભવ્ય વિજયોત્સવ અમદાવાદ પશ્ચિમમાં કિરિટ સોલંકીની શાનદાર વિજય

અમદાવાદ,તા. ૨૩: આજે લોકસભા-૨૦૧૯ની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સૌ કોઈની નજર દેશની હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક ગાંધીનગર લોકસભા બેઠક પર ખાસ રહી હતી કારણ કે, આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેટલી લીડથી જીતે છે અને આ બેઠક પરથી અગાઉ ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને જેટલા માર્જિનથી જીત્યા હતા તે મતોની લીડનો રેકોર્ડ તોડે છે કે કેમ તેની પર પણ રાજકીય વિશ્લેષકો અને દિગ્ગજોની મીટ મંડાઇ હતી. પરંતુ અપેક્ષા મુજબ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજકીય ચાણકય ગણાતા અમિત શાહે ૫,૫૪,૫૬૮ જેટલા જંગી મતો સાથે કોંગ્રેસના સી.જે.ચાવડાને કારમી હાર આપી હતી. આ સાથે જ અમિત શાહે તેમના સિનિયર નેતા અડવાણીની જંગી લીડનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. કારણ કે, અડવાણી ગાંધીનગર બેઠક પર ૪,૮૩,૧૨૧ મતોની લીડથી જીત મેળવી ચૂકયા છે પરંતુ તે રેકોર્ડ તોડી અમિત શાહે આજે દેશભરના રાજકીય દિગ્ગજો અને નિષ્ણાતોને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. નોંધનીય છે કે, અમિત શાહનો લોકસભા ચૂંટણીનો આ સૌપ્રથમ જંગ હતો અને તેમાં અમિત શાહે પહેલો ઘા રાણાનો એ રીતે બહુ શાનદાર જીત હાંસલ કરી હતી. અમિત શાહની ભવ્ય જીત અને રેકોર્ડ બ્રેક લીડના સમાચારને લઇ ભાજપમાં જબરદસ્ત ઉત્સાહનું મોજુ ફરી વળ્યું હતું. કાર્યકરો, સ્થાનિક નેતાઓ અને આગેવાનો શાહના વિજયને લઇ તેમના વિજયોત્સવ અને જશ્ન મનાવવામાં મગ્ન બન્યા હતા. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડી, આતીશબાજી કરી મીઠાઇ ખવડાવી શાહના વિજયની જોરદાર ધમાકેદાર ઉજવણી કરી હતી. મોદીની સુનામી અને અમિત શાહની ચાણકય નીતિ ફરી એકવાર ભગવો રંગ લાવવામાં સફળ થઇ હતી. બીજી તરફ અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરિટ સોલંકીની જંગી લીડથી જીત થઈ હતી. અમદાવાદ(પૂર્વ)ની પરંપરાગત બ્રાહ્મણોની બેઠક પર આ વખતે ભાજપે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અને કોંગ્રેસે ગીતા પટેલ એમ બન્ને પક્ષોએ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. નવા સીમાંકન બાદ આ બેઠક ૨૦૦૮માં અસ્તિત્વમાં આવી હતી.

૨૦૦૯માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા. જ્યારે ૨૦૧૪માં ભાજપે જાણીતા અભિનેતા પરેશ રાવલને તક આપી અને તેઓ ૩ લાખ ૨૬ હજાર ૬૩૩ મતથી તેઓ વિજેતા બન્યા હતા. જો કે આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપના કબજામાં છે અને આ વખતે પણ ભાજપની જીત થઇ હતી.આ બેઠક પર ૨૦૧૪માં ૬૦.૭૭ ટકા અને આ વખતે ૬૧.૨૬ ટકા મતદાન થયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપનો દબદબો યથાવત્ રહેતાં ભાજપમાં જીતનો શાનદાર જશ્ન અને વિજયોત્સવ મનાવાયો હતો તો કોંગ્રેસની છાવણીમાં ભારે નિરાશા અને સન્નાટાની લાગણી જોવા મળી હતી.

(10:02 pm IST)