Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

બિયારણ, ખાતર, દવા વગેરે ખરીદતી વખતે શું કાળજી લેવી? સરકારની ખેડૂતલક્ષી માર્ગદર્શિકા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. રર :.. રાજય સરકારની કૃષિલક્ષી નીતિ, ખેડૂતોની મહેનત અને અધિકારીઓની જહેમતને પગલે કૃષિ વિકાસ ક્ષેત્રે સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર છે. ખરીફ ઋતુની શરૂઆત થવામાં હોઇ રાજયના ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે છેતરાય નહીં તે માટે ખેડુતોએ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે તે અંગે ખેતી નિયામક દ્વારા ખેડૂતોને જરૂરી સલાહ આપતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેના અંશો નીચે મુજબ છે.

જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠીત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.

રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાઓની બોટલ-ટીન અથવા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ ? તેની ખાતરી કરવી તથા કોઇપણ સંજોગોમાં મુદત પુરી થયેલી જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં.

ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ/સરનામા તથા તેની સહી વાળા બીલમાં ઉત્પાદકનું નામ/લોટ નંબર/બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકુ બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલી વિગતોની ખરાઇ થેલ/ટીન/લેબલ સાથે અવશ્ય કરે લેવી.

ખાતરની થેલી/બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટિલાઇઝર, બાયો ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અથવા તો નોન-એડિબલ ડી-ઓઇલ્ડ કેક ફર્ટિલાઇઝર એવો શબ્દ લખેલું ન હોય તો તેવી થેલીમાં ભરેલો પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઇ ભળતો પદાર્થ હોઇ શકે  અને આવા પદાર્થીને ખાતર તરીકે ખરીદી ન કરવી.

વૃદ્ધિ કારકો (ગ્રોથ હોર્મોન) સહીત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેકટીસાઇડ બોર્ડ દ્વારા આપવામાં આવેલો તેનો સી.આઇ.બી.રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલો ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૦ના ખૂણે હીરાના આકારમાં મુકેલા ચોરસામાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિોકણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ જ્યારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણ અંગેની નિશાની/ચેતવણી લખેલી ન હોય તે વૃદ્ધિકારો/જંતુનાશક દવાની બોટલ/પાઉચ/પેકેટ/થેલીમાં રહેલા વૃદ્ધિકારજ/જંતુશનાશક દવાની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી આવા વૃદ્ધિકારક/જંતુનાશકોની ખરીદી કોઇપણ સંજોગોમાં ન કરવી.

આ ઉપરાંત ખાતર બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો આપના જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણા), મદદનીશ ખેતી નિયામકશ્રી (ગુ.નિ.), ખેતીવાડી અધિકારી વિસ્તરણ અધિકારીશ્રી/ગ્રામસેવકનો સંપર્ક કરવા તથા આ અંગે કૃષિ ભવન ગાંધીનગરની કચેરીના ટેલીફોન નંબર ૦૭૯-ર૩રપ૬૦૮ર ઉપર સંપર્ક કરી કચેરી સમય દરમિયાન રજુઆત કે ફરીયાદ કરવા રાજયના ખેતી નિયામકે જણાવ્યું છે.

(5:00 pm IST)