Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસનો કચ્ચરઘાણ ભાજપના ઉમેદવારોનો જંગી લીડથી વિજય

બનાસકાંઠામાં પરબત પટેલ, મહેસાણામાં શારદાબેન પટેલ, પાટણમાં ભરતસિંહ ડાભી, સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ વિજય ભણી

રાજકોટ તા. ૨૩ : ૧૭મી લોકસભાની મતગણત્રી હાથ ધરાતા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મોદી સુનામી ફરી વળતા ૩૩૦થી વધુ બેઠકો ઉપરનો પ્રવાહ ભાજપ તરફ ગયો છે. કોંગ્રેસના સુપડા સાફ થઇ રહ્યા છે.

સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં પણ ભાજપનો ઉમેદવારોનો જય જયકાર થયો છે ત્યારે કોંગ્રેસનો કચ્ચણઘાણ થયો છે.

ઉત્તર ગુજરાતની ૪ બેઠકો મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા ઉપર ભાજપના ઉમેદવારો ૨૦ હજારથી માંડી દોઢ લાખ સુધીના મતોની સરસાઇ સાથે વિજય પંથે આગળ ધપી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં કમળ ઉપર લોકોએ મહોર મારીને કેસરીયા ઉમેદવારોને વિજય બનાવ્યા છે.

પાટણ લોકસભાની બેઠક ઉપર ભાજપના ભરતસિંહ ડાભી ૧,૫૬,૦૧૫ મતોથી જીતી ગયા છે. બનાસકાંઠાના પરબતભાઇ પટેલનો ૧ લાખથી વધુ મતોની સરસાઇથી વિજય થયો છે. મહેસાણા લોકસભા બેઠક ઉપર ભાજપના શારદાબેન પટેલ કોંગ્રેસના એ.જે.પટેલ કરતા ૬૦ હજારથી વધુ મતોની લીડથી આગળ છે. સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરથી ૧ લાખથી વધુ મતોની સરસાઇથી આગળ ચાલે છે.

ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા દિવસોમાં પાટણમાં કરેલી જાહેરસભા ઉત્તર ગુજરાતમાં ભાજપને ફળી છે.

ચૂંટણી દરમિયાન દુધસાગર ડેરીના સભાસદો અને પશુપાલકોએ ભાજપ સામે કરેલો વિરોધની અસર ચૂંટણીમાં જોવા મળી ન હતી.

ઉત્તર ગુજરાતમાં ચિત્ર

અમદાવાદ, તા. ૨૩ : ઉત્તર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના તમામ પરિણામ જાહેર થઇ ચુક્યા છે. ઉત્તર ગુજરાતનું ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

ગુજરાતમાં કુલ સીટ........................................ ૦૭

પરિણામ જાહેર................................................ ૦૭

ભાજપને સીટો મળી......................................... ૦૭

કોંગ્રેસને સીટો મળી.......................................... ૦૦

(8:27 pm IST)