Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

'વિજય' વાવટાથી ગુજરાત સરકારની મજબુતી ઠસોકસ : 'પાણી' બતાવશે રૂપાણી

યહ આસમાન ભી આયેગા જમીન પર બસ ઇરાદો મેં જીત કી ગુંજ ચાહીએ : સંગઠનમાં ધરખમ ફેરફારો આવે છે : મંત્રી મંડળનો ગંજીફો ચીપાશે : સરકાર આડેના 'વિદનો' હટાવાશે

રાજકોટ, તા. ૨૩ :. લોકસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપ વિજય વાવટો લહેરાવવા આગળ વધી રહ્યો છે. ૨૦૧૪માં મેળવેલી તમામ બેઠકો તેમજ જ્યાં ધારાસભાની પેટાચૂંટણી હતી તેવી ચાર બેઠકો પર ભાજપ વિજય માર્ગે આગળ વધતા મોદી-શાહની હોમ પીચમાં કેસરીયો વટ અકબંધ રહ્યો છે. વિજય વાવટાથી ગુજરાત સરકારની મજબૂતી ટકે વરસો વરસ તેવી ઠસોઠસ થઈ ગઈ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની મજબૂતાઈ વધી છે. તેમની સરકાર હવે આંતરીક સ્વચ્છતા અભિયાન આરંભે તેવા એંધાણ છે.

ગુજરાતમાં તમામ બેઠકોમાં ભાજપની જીતમાં મોદીનું નામ ભલે મહત્વનુ હોય પરંતુ રૂપાણી-વાઘાણી પણ જશના મહત્વના ભાગીદાર છે. આ જીતને રૂપાણી સરકારની કામગીરી પર પ્રજાની મંજુરીની મ્હોર ગણવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પહેલા કેટલીક બાબતોમાં અનિચ્છાએ બાંધછોડ કરનાર મુખ્યમંત્રીને હવે કેન્દ્રીય નેતાગીરી તરફથી છૂટ્ટો દોર મળે તેવા સંકેત છે. રાજ્ય ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. સરકારમાં પણ ફેરફારો થાય તેવી સંભાવના છે. રૂપાણી અને નિતીન પટેલ વચ્ચેના વારંવારના વિવાદોને કાયમી ધોરણે નિપટાવવા માટે બન્નેને છૂટા પાડવામાં આવે તેવી શકયતા ભાજપના વર્તુળો દર્શાવી રહ્યા છે. અમિતભાઈ શાહની રાજ્યસભાની ખાલી પડનાર બેઠક પર નીતિન પટેલને લડાવવામાં આવે તેવી શકયતા નકારાતી નથી.

લોકસભાના મજબૂત પરિણામ પછી રાજ્ય સરકાર મક્કમ પગલા લેવા તરફ આગળ વધશે. સરકાર આડેના અંદરના અને બહારના વિઘ્નો દૂર કરવા સરકારનું વલણ આક્રમક રહે તેવી ધારણા છે. વહીવટી તંત્રમાં પણ ટૂંક સમયમાં ફેરફારો આવી રહ્યા છે. હવે સરકાર અને પાર્ટી ૨૦૨૦ના ઉતરાર્ધમાં આવી રહેલ તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીની તૈયારી શરૂ કરશે.

(4:46 pm IST)