Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગામડામાં તબીબી સેવામાંથી છૂમંતર ૨,૪૩૬ ડોકટરોને સરકારની નોટીસ

બોન્ડની શરતોનો ભંગ બદલ આરોગ્ય વિભાગ આકરા પાણીએ : ૫ લાખ રકમ ભરપાઇ નહીં થાય તો FIR, મિલ્કત જપ્તીની કાર્યવાહી

ગાંધીનગર તા. ૨૩ : રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાંથી સ્નાત - એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી દવાખાનાઓમાં ત્રણ વર્ષ સેવા આપવાને બદલે છુમંતર થનારા ૨૪૩૬ ડોકટરો સામે આરોગ્ય વિભાગે નોટીસો ફટકારી છે. રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર સરકારે આકરી કાર્યવાહી શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે.

ઇન્ટર્નશીપ સાથે એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સરકારી આરોગ્ય સેવામાં ત્રણ વર્ષની ફરજ ફરજીયાત છે. તેના પેટે સરકાર દ્વારા રૂ. ૫,૦૦,૦૦૦ના બોન્ડ અર્થાત બેંક ગેરંટી અથવા મિલ્કતની ગેરંટીની બાહેંધરી લેવાય છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૩૫૨૨ સ્નાતક થયેલા બોન્ડેડ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. ૪૩ કરોડ ૧૧ લાખની વસૂલાત થઇ છે. જોકે ૨૪૩૬ વિદ્યાર્થીઓ (હવે ડોકટર) પાસેથી રૂ. ૨૬ કરોડ ૯૪ લાખ બોન્ડ પેટે લેવાના બાકી નિકળી છે. જેની વસૂલાત માટે સરકારે નોટીસ ઇશ્યુ કરી છે. બોન્ડની શરતોનો ભંગ કરનારા ડોકટરો આ રકમ સરકારમાં ભરપાઇ નહી કરે તો આરોગ્ય વિભાગ પોલીસ કેસથી લઇને બાંહેધરીમાં રજૂ કરેલી મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરશે તે નિશ્ચિત છે

એક ડોકટર પાછળ નાગરિકોના ટેકસમાંથી રૂ. ૨૦ લાખનો ખર્ચો

ગુજરાત સરકારની માલિકીની સરકારી મેડિકલ કોલેજો ગત વર્ષ સુધી રૂ. ૬૬૦૦ની વાર્ષિક ફીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ પુરૃં પાડતી હતી. જે વધીને રૂ. ૨૫૦૦૦ થઇ છે. પ્રાઇવેટ મેડિકલ કોલેજો એક ટર્મ માટે રૂ. ૮ લાખથી રૂ. ૧૦ લાખ સુધીની ફી વસુલે છે. ગુજરાત સરકારની માલિકીની મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ પાછળ પ્રજાના ટેકસના રૂ. ૨૦ લાખથી રૂ. ૩૦ લાખ સુધીનો ખર્ચ કરે છે. આથી, સરકારી ખર્ચે તૈયાર થતાં ડોકટરોને અભ્યાસ પૂર્ણ થયા બાદ રાજ્યમાં ત્રણ વર્ષની ગ્રામ્ય સેવાઓ બજાવવી ફરજીયાત છે.

(2:38 pm IST)