Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

અમદાવાદમાં પારો ૪૨.૫ થયો : ચેતવણી અકબંધ જ

ઉંચા તાપમાનને લઇને ચેતવણી જારી કરાઈ : તીવ્ર ગરમીથી જનજીવન ઉપર અસર : બપોરના ગાળામાં રસ્તા સુમસામ બન્યા : લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું

અમદાવાદ,તા.૨૨ : દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત અને વલસાડ માટે હિટવેવની ચેતવણી આજે પણ અકબંધ રાખવામાં આવી હતી. ઉંચા તાપમાન માટેની ચેતવણીના કારણે કોર્પોરેશન અને હવામાન વિભાગ તરફથી જરૂરી સુચનો પણ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં પારો ૪૨.૫ અને ગાંધીનગરમાં ૪૨.૮ સુધી પહોંચ્યો હતો. અન્ય જગ્યાઓ ઉપર પણ પારો ૪૨ ઉપર પહોંચ્યો હતો. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું  ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં હિટવેવની ચેતવણી જારી કરાઈ છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે જેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી રહી શકે છે.  આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ વધુ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં આજે પારો ૪૨.૫ સુધી પહોંચતા બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. હાલમાં હવામાનમાં પલટા વચ્ચે કેટલીક જગ્યાઓએ કમોસમી વરસાદ થયો હતો. ગરમીમાં હજુ કોઇ ઘટાડો થવાના સંકેતો નથી. તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં મોટાભાગના રસ્તાઓ સુમસામ દેખાયા હતા. જરૂરી કામ હોવાથી જ લોકો બહાર નિકળ્યા હતા. બીજી બાજુ જનજીવન ઉપર પણ આની સીધી અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાતા તેની ચર્ચા લોકોમાં રહી હતી. અમદાવાદની સાથે સાથે અમરેલી, ગાંધીનગર, રાજકોટ, કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૧થી ઉપર રહ્યો હતો. બીજી બાજુ તંત્રએ તીવ્ર ગરમીને ટાળવા માટેની ચેતવણી સામાન્ય લોકો માટે જારી કરી છે. જેથી લોકો પણ સાવચેત થયા છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૨૨ : રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૪૨.૫

ડિસા............................................................ ૪૦.૬

ગાંધીનગર................................................... ૪૨.૮

વીવીનગર.................................................... ૪૦.૯

વડોદરા........................................................ ૪૧.૪

સુરત............................................................... ૩૬

વલસાડ........................................................ ૩૬.૯

અમરેલી....................................................... ૪૨.૨

ભાવનગર..................................................... ૩૮.૩

રાજકોટ........................................................ ૪૧.૧

સુરેન્દ્રનગર................................................... ૪૧.૮

ભુજ................................................................. ૩૯

કંડલા એરપોર્ટ............................................... ૪૧.૩

(9:04 pm IST)