Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

એસટી અને આઇશર ટ્રક વચ્ચે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત

બાવળા-બગોદરા હાઇવે પર અકસ્માતમાં એકનું મોતઃ અકસ્માત એટલો ભયંકર હતો કે એસટી ઉંધી વળી ગઇ અને આઇશર ટ્રક પણ પલટી ખાઇ : ૪૦ને ઇજાઓ થઇ

અમદાવાદ,તા. ૨૩, રાજ્યભરમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માત વધી રહ્યા છે. થોડાક દિવસ પહેલાં જ ભાવનગર નજીક એક સિમેન્ટ ભરેલી ટ્રક પલ્ટી મારી જતાં ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજે ફરીવાર એક ગંભીર અકસ્માત નોંધાયો હતો. બગોદરા-બાવળા રોડ પર ધોળકા ચોકડી પાસે આજે એક એસટી બસ અને આઇશર ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યકિતનુ મોત નીપજયુ હતુ, જયારે ૪૦ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માત એટલો જોરદાર અને ભયંકર હતો કે, એસટી બસ આખી ઉંધી વળી ગઇ હતી, તો આઇશર  ટ્રક પણ પલ્ટી ખાઇને દૂર પડી ગઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. સૌકોઇમાં અકસ્માતને લઇ અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી અને તાબડતોબ રાહત અને બચાવની કામગીરી હાથ ધરાઇ હતી. બગોદરા-બાવળા રોડ પર ધોળકા ચોકડી નજીક આજે બપોરના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી એક આઇશર ટ્રક અને એસ.ટી. બસ જોરદાર રીતે  ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતું. જ્યારે બસમાં સવાર ૪૦ જેટલા લોકોને વત્તા ઓછા અંશે ઇજા પહોંચી હતી. જેને પગલે ઘટનાસ્થળે રોકકળ, ચીસાચીસ અને આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. ગમખ્વાર અકસ્માત એટલો જોરદાર અને ભયંકર હતો કે, એસટી નિગમની બસ આખી ઉંધી વળી ગઇ હતી, જયારે આઇશર ટ્રક પણ પલ્ટી ખાઇને દૂર ઘસડાઇ પડી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે સ્થાનિક લોકો અને હાઇવે પરથી પસાર થતાં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ઘાયલોની સારવાર માટે તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી પરંતુ ઇજાગ્રસ્તોની સંખ્યા વધુ હોઇ પાંચથી વધુ ૧૦૮ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ પણ અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૃરી તપાસ હાથ ધરી હતી. એસટી બસ ગારિયાધારથી અમદાવાદના કૃષ્ણનગર તરફ જઈ રહી હતી.  આ ગંભીર અકસ્માતને પગલે બાવળા-બગોદરા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. જો કે, પોલીસે ભારે મહેનત બાદ ટ્રાફિક પૂર્વવત્ કર્યો હતો.

(9:58 pm IST)