Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આંકલાવમાં બેંક ઓફ બરોડામાંથી ગ્રાહકની કોથળીને બ્લેડ મારી તસ્કરોએ 20 હજારની ચોરી કરી

આંકલાવ:નગરની બેંક ઓફ બરોડામાંથી આજે સવારના સુમારે એક ગ્રાહકની કોથળીને બ્લેડ મારીને તેમાંથી ૨૦ હજારની ચોરી કરીને કોઈ ગઠિયો ફરાર થઈ જતાં આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર કહાનવાડી ગામે રહેતા વિજયભાઈ હરમાનભાઈ પઢિયારના પુત્ર અમિતકુમાર (ઉ. વ. ૭)ને પેશાબની નળીની સમસ્યા હોય તેનું ઓપરેશન કરાવવું પડે તેમ હતુ. જેથી વિજયભાઈએ પત્નીના નામે વડોદરાની ઈક્વીદાસ કંપનીમાંથી ૨૫ હજારની લોન લીઘી હતી. આ રકમ પત્ની મનિષાબેનના બેંક ઓફ બરોડાના ખાતામાં જમા આપવામાં આવી હતી. જેથી આજે સવારના પોણા અગિયાર વાગ્યાના સુમારે દંપત્તી પૈસા ઉપાડવા માટે બંકમાં ગયા હતા.

બેંકમાંથી રોકડા ૨૫ હજાર ઉપાડ્યા હતા જેમાં ૧૦૦-૧૦૦ના બે બંડલો તથા એક ૫૦નું બંડલ આપવામાં આવ્યું હતુ. જે કોથળીમાં મુકીને વિજયભાઈ ઊભા હતા. જ્યારે પત્ની મનિષાબેન પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ઊભા હતા. દરમ્યાન કોઈ ગઠિયાએ કોથળીને બ્લેડ મારીને અંદરથી ૧૦૦-૧૦૦ના બે બંડલો ચોરી લીઘા હતા. પત્ની પાસબુકમાં એન્ટ્રી પડાવીને પરત આવી ત્યારે ખબર પડી કે થેલીને બ્લેડ મારીને કોઈ શખ્સો ૨૦ હજાર ચોરી ગયા છે જેથી તેમણે તુરંત જ બેંક મેનેજરને વાત કરી હતી અને બાદમાં આંકલાવ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ઘરી છે.

(6:32 pm IST)