Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વડોદરામાં રાત્રીના સુમારે તસ્કરોએ 23 લાખના દાગીનાનો હાથ ફેરો કર્યો

વડોદરા: અલકાપુરીની કુંજ સોસાયટીના બંગલામાં રાત્રે ત્રાટકેલા તસ્કરો પતિ-પત્ની સૂતા હતા તેની બાજુની રૂમમાંથી રૂ.૨૩.૫૦ લાખની કિંમતના હીરાના દાગીના ઉઠાવી ગયા હોવાના બનેલા બનાવને પગલે સ્થાનિકોમાં ભારે ભયની લાગણી વ્યાપી ગઈ છે. બેડરૂમમાં એસી ચાલુ હોઇ પતિ-પત્નીને ચોરીની જાણ છેક સવારે થઇ અલકાપુરી કુંજ સોસાયટીમાં રહેતા અને જમીન લે- વેચનું કામ કરતા સિનિયર સિટિઝન મુકેશ કનૈયાલાલ દાલીયાના બંને પુત્રો બીજે રહેતા હોઇ તેઓ તેમના પત્ની વર્ષાબેન સાથે બંગલામાં રહે છે. ગઇ કાલે રાત્રે અગિયારેક વાગે તેઓ સૂઇ ગયા હતા અને સવારે સાતેક વાગે જોયુ તો દરવાજો બહારના ભાગેથી બંધ હતો જેથી દરવાજો ખોલાવી તપાસ કરતા બાજુના પૂજા રૂમમાં મુકેલી નાની તિજોરી ખુલ્લી હતી અને અંદર ઉપરના ચોરખાનામાં મુકેલા ડાયમંડના દાગીના ગાયબ હતા. તસ્કરો રૂ.૭ લાખના ૨ નંગ પાટલા,રૂ.૯ લાખની ૪ નંગ બંગડીઓ, રૂ.૫ લાખની કિંમતની ચેઇન, રૂ.૧ લાખની ત્રણ વીંટી, અને રૂ.૧.૫૦ લાખની બુટ્ટી સહિત કુલ રૂ.૨૩.૫૦ લાખની કિંમતના દાગીના ઉઠાવી ગયા હતા.સયાજીગંજના પીઆઇ હરેશ વોરા સહિતના ઉચ્ચ અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા અને ડોગ સ્કવોડ તેમજ ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ લઇ તસ્કરોનું પગેરૂ શોધવા તજવીજ હાથ ધરી છે.

 

 

(6:29 pm IST)