Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પાસનો ખોખારોઃ ૨૬મીએ માલવણ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયત

ગુજરાતના ભાજપ-કોંગ્રેસના ૪૨ પાટીદાર ધારાસભ્યોને આમંત્રણઃ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો ભાગ લેશેઃ ભાજપના ધારાસભ્યો વિમુખઃ વિધાનસભાની ચૂંટણી બાદ પાસનો પ્રથમ કાર્યક્રમ

રાજકોટ, તા. ૨૩ :. છેલ્લા ચાર માસથી સુષુપ્ત અવસ્થામાં રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિએ પાટીદારોના ન્યાય માટે વિશાળ કાર્યક્રમ યોજીને ખોખારો ખાધો છે.

૨૬મી મે શનિવારે સાંજે ૭ કલાકે ધ્રાંગધ્રાના મોટી માલવણ ખાતે પાટીદાર ન્યાય મહાપંચાયતે આયોજન કર્યુ છે. પાટીદાર ન્યાય મહાપંચાયતમા પાટીદારો તેની શકિત પ્રદર્શન કરશે.

ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે ૨૬મીએ પાસનું સંમેલનની સાથે સાથે પાટીદાર ન્યાય મહાપંચાયત મળશે. જેમા પાસના કન્વીનર હાર્દિક પટેલે ભાજપ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાટીદાર ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપ્યુ છે. હાર્દિક પટેલના આ આમંત્રણને પગલે પાટીદાર પંચાયતમાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. જ્યારે ભાજપના પાટીદાર ધારાસભ્યો ઉપસ્થિત નહી રહે તેવી ચર્ચા છે.

આ પાટીદાર ન્યાય મહાપંચાયતમા કોંગ્રેસના ૧૫ ધારાસભ્યો સર્વશ્રી હર્ષદભાઈ રીબડીયા, કિરીટભાઈ પટેલ, આશાબેન પટેલ, બ્રીજેશભાઈ મેરજા, લલીતભાઈ કગથરા, ચિરાગભાઈ પટેલ, લલીતભાઈ વસોયા, જે.વી. કાકડીયા, વીરજીભાઈ ઠુંમર, પ્રતાપભાઈ દુધાત, અક્ષયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મહેશભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, નિરંજનભાઈ પટેલને આમંત્રણ મળ્યુ નથી.

જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને જણાવેલ કે કોંગ્રેસનો હાથો બનીને કોંગ્રેસના પૈસા દ્વારા ભાજપને હરાવવા નીકળેલા લોકોને હવે પાટીદાર સમાજ સહિત સમગ્ર રાજ્યની પ્રજા ઓળખી ગઈ છે. ભાજપના કોઈ ધારાસભ્યોને હાર્દિક પર ભરોસો નથી.(૨-૯)

(4:05 pm IST)