Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : દિવ્યાંગો તથા સગર્ભા મહિલા કર્મચારીને 30 એપ્રિલ સુધી ફરજ પર આવવામાંથી મુક્તિ અપાઈ

કોરોનાના વધતા સંક્રમણને કારણે સામાન્ય વહીવટ વિભાગે નિર્ણય કર્યો : વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે

અમદાવાદ :કોરોના વાયરસના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે. તેને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો ચાલી રહ્યાં છે તેમ છતાં કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેમાં સચિવાલયના ઘણાં અધિકારીઓથી માંડીને કર્મચારીઓ સપડાયાં છે. ત્યાં સુધી કે અમૂક અધિકારીથી માંડીને કર્મચારીના મુત્યુ થયા છે. આવા સંજોગોમાં દિવ્યાંગ કર્મચારીઓ તથા સગર્ભા મહિલા કર્મચારીઓને કચેરીમાં ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ આપવાનો સામાન્ય વહીવટ વિભાગે નિર્ણય કર્યો છે. તેમણે વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે તેમ જણાવાયું છે

નોવેલ કોરોના વાઇરસના સંક્રમણમાં રાજયના મંત્રીઓથી માંડીને તેમનો સ્ટાફ, ધારાસભ્યો, સંસદસભ્યો ઉપરાંત સચિવાલયના અધિકારીઓ તેમ જ કર્મચારીઓ તબક્કાવાર આવતાં જાય છે. તેમના ચાર્જ અન્ય અધિકારીઓને સોંપીને કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. તો અમૂક કર્મચારી/ અધિકારીઓના મુત્યુ નિપજયાં છે. આમ બેકાબૂ બનેલા કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી જાહેર હિતમાં રાજય સરકારની આવશ્યક/ તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલા કચેરીઓ સિવાયની કચેરીઓને તા.15-4-21થી 30-4-2021 સુધી 50 ટકા સ્ટાફ સાથે ચાલુ રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.

બીજી તરફ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ આજે દિવ્યાંગ કર્મચારીઓ તથા સગર્ભા મહિલા કર્મચારીઓને કચેરીમાં ઉપસ્થિત રહેવામાંથી બાકાત રાખવામાં આવ્યાં છે. જેથી સમાન પ્રકારે રાજય સરકાર હસ્તકની આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી કચેરીઓ સિવાયની કચેરીઓમાં ફરજ બજાવતાં દિવ્યાંગ કર્મચારીઓ તથા સગર્ભા મહિલા કર્મચારીઓ 30મી એપ્રિલ સુધી કચેરીઓમાં ફરજ પર બોલાવવાના રહેશે નહીં. પરંતુ આવા કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયના મહિલા અધિકારી શ્વેતાબેન મહેતા સાત મહિનાનો ગર્ભ ધરાવતાં હતા. તેમને કોરોના પોઝીટીવ આવ્યો હતો. સારવાર દરમિયાન તેમનું મુત્યુ નિપજયું હતું. આ અરેરાટીભરી ઘટનાએ સમગ્ર કર્મચારી તથા અધિકારી આલમમાં ભારે ચકચાર જગાવ્યો હતો. જેથી આવશ્યક વિભાગોના સિવાયના કર્મચારીઓને ઘરેથી કામ કરવા દેવાની છૂટ આપવાની માંગણી ઉઠી હતી. આ અંગે કર્મચારી યુનિયનો તરફથી મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઇને સરકાર તરફથી 50 ટકા કર્મચારીઓની હાજરીની જાહેરાત કરવામાં આવી હતી.

(11:53 pm IST)