Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સુરતમાં સિઝેરિયનથી ડિલિવરી બાદ વેંટીલેટર સપોર્ટ નહીં મળતા બે મહિલાઓના કરૂણમોત

પરિવારજનો અનેક હોસ્પિટલોમાં વેન્ટિલેટર માટે રઝળતા રહ્યાં, પરંતુ ક્યાંયથી વ્યવસ્થા ના થઈ

સુરત: જિલ્લામાં કોરોનાના 2000થી વધુ કેસો રોજ ઉમેરાઈ રહ્યાં છે. સતત વધી રહેલા કેસને પગલે હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. એવામાં અન્ય બીમારીઓના ગંભીર દર્દીઓને સારવાર આપવી મુશ્કેલ થઈ ગઈ છે. જરૂરિયાત વાળા દર્દીઓને વેન્ટિલેટર ના મળતા તેમના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલોમાં એક પણ વેન્ટિલેટર ખાલી નથી. વેન્ટિલેટર ના મળવાના કારણે ડિલિવરી બાદ બે મહિલાઓના મોત નીપજ્યાં છે. આ બન્ને મહિલાઓની સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી.

ડિલિવરી બાદ મોટાભાગની મહિલાઓને વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડે છે. અનેક મહિલાઓમાં હીમોગ્લોબિનની ઉણપ સહિત અન્ય સમસ્યા હોવાના કારણે તેમની તબીયત વધારે બગડવા લાગે છે. એવામાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખીને સારવાર કરવાની જરૂર પડે છે. વેન્ટિલેટર સપોર્ટ મળવાથી મોટાભાગની પ્રસુતાઓના જીવ બચી જાય છે.

 

એક સપ્તાહ પહેલા વરાછામાં રહેલી એક મહિલાએ ખાનગી હોસ્પિટલમાં સિઝેરિયનથી બાળકને જન્મ આપ્યો હતો. જો કે પાછળથી મહિલાની તબીયત લથડતા તેને તાત્કાલીક વેન્ટિલેટરની જરૂર ઉભી થઈ. મહિલાના પરિવારજનો અનેક હોસ્પિટલોમાં વેન્ટિલેટર માટે રઝળતા રહ્યાં, પરંતુ ક્યાંયથી વ્યવસ્થા ના થઈ. આખરે મહિલાને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું, પરંતુ રસ્તામાં જ તેણે અંતિમ શ્વાસ લીધા.હતા

આવો જ અન્ય એક કિસ્સો શહેરના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં એક 40 વર્ષની મહિલાએ 4 દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન થકી બાળકને જન્મ આપ્યો હતો. જો કે થોડીવાર બાદ તેની તબીયત ખરાબ થવા લાગી. મહિલાને બ્લીડિંગ થવા લાગ્યું અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જેના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થઈ, પરંતુ વેન્ટિલેટરની ક્યાંયથી વ્યવસ્થા ના થઈ શકી.આખરે મહિલાનું મોત નીપજ્યું.

 

(6:47 pm IST)