Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કપડવંજમાં ટોળાને સમજાવવા ગયેલી પોલીસ ઉપર હુમલો

ટોળાને કાબૂમાં લેવા માટે ટિયરગેસનો એક સેલ છોડ્યો : મસ્જિદ બહાર ટોળા વળીને ઉભેલા લોકોને સમજાવવા જતાં હુમલો, ટોળા દ્વારા પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ

કપડવંજ, તા. ૨૨ : કપડવંજ શહેરમાં મંગળવારે સાંજે પોલીસ અને મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. વાત એમ છે કે, લાયન્સ ક્લબ પાસે આવેલી અલી મસ્જિદ બહાર ટોળે વળીને ઉભેલા લોકોને પોલીસ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરાવવા માટે પહોંચી હતી. જે બાદ પોલીસ પર દાઝ રાખીને વિવિધ વિસ્તારમાંથી આવેલા લોકોએ વાહનો સહિત પોલીસ સ્ટેશનમાં ભારે તોડફોડ કરી હતી. ટોળાને કાબૂમાં લેવા માટે જિલ્લાભરમાંથી દોડી આવેલી પોલીસે ટિયરગેસનો એક સેલ છોડ્યો હતો.

મસ્જિદની બહાર ઉભેલા લોકોને પોલીસે ગાઈડલાઈનનો અમલ કરવાની સૂચના આપવા મામલો ઉગ્ર બન્યો હતો. ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને બાદમાં પોલીસ સ્ટેશનના બોર્ડ અને ઓફિસમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં વધુ લોકો ભેગા થયા હતા અને પોલીસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા ટિયરગેસનો સેલ છોડ્યો હતો.

ઘટનાની જાણ જિલ્લા પોલીસને થતાં જિલ્લા એલસીબી, એસઓજી અને આજુબાજુના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તરત જ ત્યાં દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતતી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરનારને શોધી કાઢવા માટેની ગતિવિધિ હાથ ધરી હતી. પોલીસ સ્ટેશન પર ટોળાએ હુમલો કરતાં થોડા સમય માટે ભારે અંજપાભરી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, બાદમાં સ્થિતિ કાબૂમાં આવી હતી.

(9:51 pm IST)