Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યુ મતદાન -કહ્યું 'તમારો મત દેશને સુરક્ષિત, સમૃધ્ધ બનાવી શકે છે'

ભાજપના અધ્યક્ષ અમિત શાહે નારણપુરની ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યું હતું : અમિત શાહે ગાંધીનગર બેઠક માટે કર્યું મતદાન

અમદાવાદ તા. ૨૩ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાના મતદાર છે અમિત શાહે સવારે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ કચેરી ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ હતું. અગાઉ વહેલી સવારે તેમણે રાણીપની નિશાન સ્કુલ ખાતે પહોંચી પીએમ મોદીના મતદાન મથકની મુલાકાત લીધી હતી અને મતદાન કેન્દ્રની સમીક્ષા કરી હતી. અમિત શાહે મતદાન બાદ કહ્યું હતું કે તમારો એક મત દેશને સમૃદ્ઘ, સુરક્ષિત, સમર્થ અને વિકાશશીલ બનાવી શકે છે.

પરિવાર સાથે મતદાન કર્યા બાદ અમિત શાહે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, 'આજે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન છે. સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે લોકો વોટ આપવા માટે નીકળ્યા છે. ગુજરાતમાં ૨૬ સીટો પર ઉત્સાહજનક મતદાનના સમાચાર મળી રહ્યાં છે, હું દેશ અને રાજયના મતદાતાઓને અપીલ કરવા માંગું છું, ભારે સંખ્યામાં નીકળી મત નોંધાવો, તમારો એક મત દેશને સુરક્ષિત, સમર્થ, સમૃદ્ઘ, વિકાશસીલ બનાવી શકે છે. યુવાનો અને ખાસ કરીને જે પહેલી વાર વોટ આપશે તેમણે ભવિષ્યના ભારત માટે વોટ આપવાનો છે. દેશની સુરક્ષા, પ્રગતિ અને અર્થતંત્રના વિકાસ માટે મતદાન આપો.'

અમિત શાહ ધર્મપત્ની સાથે મતદાન મથકે પહોંચ્યા હતા જયાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સવારે તેઓ પૌત્રીને લઈને રાણીપ ગયા હતા જયાં પીએમ મોદીના મતદાન સમયે તેમની સાથે રહીને મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. પીએમ મોદીનો કાફલો રવાના થયા બાદ તેઓ નારણપુરા ખાતે રવાના થયા હતા.

ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપની પારંપારિક ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આ બેઠક પર કોંગ્રેસે પુનઃ કલાસ વન અધિકારી સી.જે. ચાવડાને ટિકિટ આપી છે. ગાંધીનગર લોકસભા બેઠક પર લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી નહીં લડતા ભાજપે પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ મેદાને ઉતાર્યા છે.

(11:53 am IST)