Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ગરીબ-લઘુમતિ વિસ્તારોમાં સ્લીપ નહી મળ્યાની ફરિયાદ

કોંગ્રેસ દ્વારા ચૂંટણી તંત્રને ફરિયાદ કરાઇ : વેજલપુર, જૂહાપુરા, મકતમપુરા, મકરબા સહિત કેટલીક સોસાયટીઓમાં મતદાર સ્લીપ ન મળી હોવાની ફરિયાદ

અમદાવાદ, તા.૨૨ : ગુજરાત લોકસભાની આવતીકાલે ખૂબ જ મહત્વની અને પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે હજુ સુધી મતદાનની ગણતરીની ઘડીઓ બાકી રહી છે ત્યાં સુધી શહેરના ગરીબ અને લઘુમતી વિસ્તારોમાં મતદાર સ્લીપ નહી મળ્યાની ગંભીર ફરિયાદો સામે આવી હતી. ખાસ કરીને ગાંધીનગર લોકસભા બેઠકના મતક્ષેત્રમાં વેજલપુર, જૂહાપુરા, મકતમપુરા, મકરબા સહિતના વિસ્તારોમાં અનેક સોસાયટીઓમાં મતદારોને મતદાર સ્લીપ મળી જ નહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતાં સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને આ અઁગેની ફરિયાદ કરી હતી અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારોના મતદારોને મતદાર સ્લીપ પહોંચાડવા ઉગ્ર માંગણી કરી હતી. ગઇકાલે પણ શહેરના અમરાઇવાડી, ઇન્દિરાનગર સહિતના વિસ્તારોમાં મતદારોને ક્ષતિયુકત મતદાર સ્લીપ પહોંચાડાઇ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામતાં ખુદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા આસીસ્ટન્ટ રિટર્નીંગ ઓફિસરનો આ સમગ્ર મામલે ખુલાસો મંગાયો હતો. બીજીબાજુ, અમરાઇવાડી, ઇન્દિરાનગરના મતદારોને તાબડતોબ સુધારેલી અને સાચી મતદાર સ્લીપ પહોંચાડવામાં આવી હતી. દરમ્યાન આજે શહેરના ગરીબ અને લઘુમતી વિસ્તારોમાં મતદાર સ્લીપ મતદારો સુધી નહી પહોંચી હોવાની ગંભીર ફરિયાદ સામે આવી હતી. આવતીકાલે મતદાન હોઇ છેલ્લી ઘડી સુધી મતદાર સ્લીપ આ વિસ્તારોમાં નહી પહોંચતાં સ્થાનિક મતદારોમાં ભારોભાર નારાજગી જોવા મળી હતી. ચૂંટણી તંત્રની ગંભીર નિષ્કાળજી સામે આવતાં કોંગ્રેસ પક્ષ પણ સમગ્ર મામલે હરકતમાં આવ્યું હતું અને આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. કોંગ્રેસ તરફથી ગરીબ અને લઘુમતી વિસ્તારોમાં મતદારોને મતદાર સ્લીપ તાત્કાલિક ધોરણે પહોંચતી કરવા પણ ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસની ફરિયાદને પગલે ચૂંટણી તંત્રના અધિકારીઓ પણ દોડતા થયા હતા.

(8:16 pm IST)