Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દુષ્કર્મ ઘટનાના વિરોધમાં મેવાણીના નેજા હેઠળ રેલી

મેવાણીએ મોદી-ભાજપ સરકાર પર આકરા પ્રહારો :રેલીમાં વિજય રૂપાણી હોશ મેં આઓ, નરેન્દ્ર મોદી હોશ મેં આઓના નારા લાગ્યા : કલેકટરને આવેદનપત્ર સુપ્રત

દુષ્કર્મ ઘટનાના વિરોધમાં મેવાણીના નેજા હેઠળ રેલી

અમદાવાદ,તા. ૨૩ : ઉન્નાવ અને કઠુઆ, સુરત અને રાજકોટમાં નોંધાયેલી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં આજે અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ અમદાવાદ શહેરમાં વિશાળ 'જન આક્રોશ રેલી' યોજી હતી. મેવાણીએ નમસ્તે સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી. આ દરમિયાન મેવાણીએ દુષ્કર્મની ઘટનાઓની આકરી ટીકાઓ કરી મોદી સરકાર અને રૂપાણી સરકાર પર પ્રહારો કર્યા હતા. જન આક્રોશ રેલીમાં 'વિજય રૂપાણી હોશ મેં આઓ, નરેન્દ્ર મોદી હોશ મેં આઓ'ના નારા લગાવવામાં આવ્યા હતા. જન આક્રોશ રેલીમાં મેવાણી સહિત વિવિધ સંગઠનના આગેવાનો દ્વારા પોક્સો કાયદામાં બળાત્કારી નરાધમો માટે એક જ પ્રકારની અને આકરી સજા, દુષ્કર્મના કેસોમાં ઝડપી અને ત્વરિત ન્યાય અને નલિયાકાંડનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. ગુજરાત સહિત દેશભરમાં લોકોને આક્રોશિત કરતી અને આઘાત પમાડતી ઘટેલી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં અને કેન્દ્ર સરકાર અને રાજય સરકારને આ તમામ મામલાઓમાં ઝડપી અને અસરકારક ન્યાય તેમ જ નરાધમ ગુનેગારોને સખત નશ્યત કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, અલ્પસંખ્યક અધિકાર મંચ, દલિત મુસ્લિમ એકતા મંચ, એકલ નારી, હમારી આવાઝ, હમારા અધિકાર, સ્વરાજ સહિતના સંગઠનો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ જન આક્રોશ રેલીની આગેવાની અપક્ષ ધારાસભ્ય અને દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીએ લીધી હતી. સાંજે ચાર વાગ્યે શાહીબાગ વિસ્તારમાં હાજીપુરા ગાર્ડન પાસે નમસ્તે સર્કલ ખાતેથી આ રેલી નીકળી સુભાષબ્રીજ ખાતે કલેકટર કચેરી પહોંચી હતી, જયાં જીગ્નેશ મેવાણી, જનસંઘર્ષ મંચના એડવોકેટ શમશાદ પઠાણ, અહદ પઠાણ, સુશીલાબહેન, કેરૂન પઠાણ, બબલુ રાજપૂત, સુબોધ પરમાર સહિતના આગેવાનોના પ્રતિનિધિમંડળ તરફથી અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા તમામ કોમ અને ધર્મના લોકો જોડાયા હતા. જેઓ હાથમાં સામાજિક સંદેશો રજૂ કરતાં પ્લેકાર્ડ, બેનર્સ અને પોસ્ટર્સ લઇને આવ્યા હતા, જેણે શહેરીજનોનું બહુ ધ્યાન ખેંચ્યું હતું. માનવતાને શર્મસાર કરનાર આ ઘટનાઓના નરાધમ હેવાનોને સખતમાં સખત નશ્યત કરવા અને ભોગ બનનાર પીડિત પરિવારોને ઝડપથી સંતોષજનક ન્યાય અપાવવા પણ રેલીમાં માંગણી કરવામાં આવી હતી. રેલી દરમ્યાન જોડાયેલા લોકો દ્વારા વિજય રૂપાણી હોશ મેં આઓ, નરેન્દ્ર મોદી હોશ મેં આઓ ના જોરદાર નારા લગાવવામાં આવ્યા હતા. વાતાવરણ તંગ ના બને તે હેતુથી રેલી દરમ્યાન સુરક્ષા કાફલામાં જોડાયેલી પોલીસે તેઓને આ પ્રકારના સૂત્રોચ્ચાર નહી પોકારવા અને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં રેલી સાંજે સુભાષબ્રીજ પાસે કલેકટર કચેરી ખાતે પહોંચી હતી, જયાં જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનોના પ્રતિનિધિમંડળ તરફથી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(8:24 pm IST)
  • અમરેલી SP જગદીશ પટેલની અટકાયત : સુરત બીટકોઈન કેસમાં LCB PI અનંત પટેલ બાદ આજે મોડી રાત્રે સીઆઇડી ક્રાઇમે અમરેલી SP જગદીશ પટેલની અમરેલીથી અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસપી જગદીશ પટેલનું નામ, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણના કિસ્સામાં પણ ખુલ્યું હતું અને રૂ. 12 કરોડના આ બીટકોઈન પડાવવાના કિસ્સામાં હવે પછી એક પૂર્વ ધારાસભ્યનો નમ્બર પણ આવી શકે છે તેમ ચર્ચાય રહ્યું છે. access_time 2:35 am IST

  • ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોર પ્રોજેકટનો ૯૧ ટકા નફો ચીન પોતાની પાસે રાખશે : આવતા ૪૦ વર્ષ સુધી ચીનની સત્તાવાર માલિકનીના ચાઇના ઓવરસીઝ પોર્ટસ હોલ્ડીંગ કું. લી. પાસે લીઝ અને કંટ્રોલ રહેશે : ભારત માટે આ એક નવો ભય સર્જાયો છે access_time 3:50 pm IST

  • રાજકોટ પોલીસે કરી એક પ્રશંશનીય કામગીરી : રાજકોટ મહિલા પોલીસ દ્વારા યોજાયો લોક દરબાર : 92 અરજીનું સ્થળ પર જ સમાધાન થયું : 6 અરજીમાં સમાધાન ન થતા ફરિયાદ નોંધવામાં આવી : 12 અરજીમાં અરજદારોએ સમય માંગતા, સમાધાન માટે સમય આપવામાં આવ્યો : તા. 16/04/2018 થી 22/04/2018 દરયાન મહિલા પોલીસને મળેલ કુલ ૨૩૫ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો access_time 2:34 am IST