Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

હવે એસ.ટી. બોર્ડઃ ૮ કર્મચારીઓએ લાખોની ઠગાઇ કરી લીધીઃ ૭ લાખ ચાંઉં કરી ગયા

કાગડા બધે જ કાળા-જમીન વિકાસ નિગમ બાદઃ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફોજદારીઃ એક રાપર ડેપોનો રાકેશ રાવલ...

અમદાવાદ તા. ર૩ :.. કાગડા બધે જ કાળા હોય તે કહેવતને સાબીત કરતી બાબત બહાર આવી છે, તાજેતરમાં જમીન વિકાસ નીગમની ઓફીસમાંથી એસીબીએ ભ્રષ્ટાચારી સરકારી કર્મચારીઓને ઝડપી લીધા હતા, ત્યાં હવે લાખોની ઠગાઇ અને અંદાજે ૭ લાખ રૂ. ચાઉં કરી જવાની ઘટના એસ.ટી. બોર્ડના અમદાવાદના ગીતા મંદિર એસ. ટી. વર્કસ સ્ટેન્ડના મુખ્ય ડેપોમાં બન્યાનું અને આ બાબતે રાપરના રાકેશ રાવલ સહિત ૮ સામે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફોજદારી થયાનું બહાર આવ્યું છે.

શહેરના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતેના મુખ્ય ડેપોમાં હિસાબના જમા કરાવવાના થતાં માર્ચ-ર૦૧પ થી માર્ચ-ર૦૧૬ સુધીના નાણા જમા નહી કરાવી રૂ. ૬.૮૮ લાખથી વધુની ગંભીર પ્રકારની છેતરપીંડી અને ઉચાપત  આચરી હોવા અંગેની એક ગંભીર ફરીયાદ ખુદ એસટી નિગમના જ કેશીયર સહિતના આઠ કર્મચારીઓ વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસ મથકમાં દાખલ થઇ છે. એસટી બસ સ્ટેન્ડ ખાતેના મુખ્ય ડેપોના મેનેજર ઇલિયાસ અબ્દુલ રહેમાન શેખ દ્વારા નોંધાવેલી ફરીયાદના આધારે કાગડાપીઠ પોલીસે સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના સરખેજ રોડ પર જૂહાપુરા વિસ્તારમાં અંબર ટાવર પાસે સાગર એવન્યુ ખાતે રહેતાં એસ. ટી. સ્ટેન્ડ, મુખ્ય ડેપોના મેનેજર ઇલિયાસ અબ્દુલ રહેમાન શેખે જે કર્મચારીઓ વિરૂધ્ધ કાગડાપીઠ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. તેમાં રાપર ડેપોના રાકેશ રાવલ, કેશીયર સંજય રાવલ, કેશીયર તખ્તસિંહ કે. ડાભી, કેશીયર એ. ડી. ડીયા, ગાંધીનગર ડેપોના હરેશ એસ. ખત્રી, કેશીયર અશોક ટી. પટેલ, કેશીયર રમેશ ઝાલા અને શંકરભાઇ શામળભાઇ પટેલનો સમાવેશ થાય છે. ડેપો  મેનેજરે ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત સપ્ટેમ્બર -ર૦૧પ થી માર્ચ-ર૦૧૬ સુધીના સમયગાળા દરમ્યાન ઉપરોકત આરોપી કર્મચારીઓએ અમદાવાદ ડેપો કચેરી, એસટી ગીતા મંદિર ખાતે કંડકટરના હિસાબના નાણા લઇને જમા કરાવવાના થતા હતા પરંતુ તે જમા નહી કરાવી કુલ રૂ. ૬,૮૮,૦ર૮ ની નાણાંકીય ઉચાપત કરી છે. સમગ્ર મામલામાં નબળુ સુપરવીઝન દાખવી કોમ્પ્યુટર ડીસીસી અને મેન્યુઅલ ડીસીસી હાજર કેસ સાથે સરખામણી નહી કરીને ગંભીર નિષ્કાળજી દાખવાઇ હોવાની વાત પણ સામે આવી હતી. અને તેના આધારે રૂ. ૬.૮૮ લાખથી વધુની ઉચાપત આચરવામાં આવી હતી. (પ-૭)

(12:03 pm IST)