Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમરેલી એસપી જગદીશ પટેલની મધરાતે અટકાયત

કરોડોનો બીટકોઈન મામલોઃ સીઆઈડી વડા આશિષ ભાટીયાના આદેશથી અમરેલીના બંગલેથી જ સીઆઈડી ટીમે ડીટેઈન કરી લીધાઃ પીઆઈ અનંત પટેલની ધરપકડ બાદ વધુ એક મોટો ધડાકોઃ શનિવારે જ અમલ થવાનો હતોઃ જિલ્લા પોલીસ વડાને અગાઉથી જ ગંધ આવી ગઈ હોવાથી ગાંધીનગર આવવાનું ટાળ્યુ હતું ? એડવોકેટ અને અમરેલી પીઆઈની સામસામી પૂછપરછમાં ભૂમિકા ખુલ્લી ? મહત્વના પુરાવાનો નાશ કરવા જતા જ શંકા દ્રઢ બનીઃ ખળભળાટ

રાજકોટ, તા. ૨૩ :. સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટ તથા તેના ભાગીદારનું ગેરકાયદે અપહરણ કરી કેશવ ફાર્મમાં ગોંધી રાખી કરોડો રૂપિયાના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લેવાના જેમના પર આરોપ છે તેવા અમરેલી એસપી જગદીશ પટેલની ગત મધરાત્રે સીઆઈડી વડા આશિષ ભાટીયાના હુકમથી, જિલ્લા પોલીસ વડાના બંગલેથી સીઆઈડી ટીમે અટક કરી ગાંધીનગર ખાતે સીઆઈડી હેડ કવાર્ટરમાં 'સીટ' દ્વારા પૂછપરછનો ભારે ધમધમાટ ચાલી રહ્યાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.  આ અગાઉ સીઆઈડી ક્રાઈમ દ્વારા અમરેલી પીઆઈ અનંત પટેલ, સુરતના

એડવોકેટ તથા અન્ય પોલીસ મેનોની મળી કુલ ૫ ધરપકડ થઈ છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સીઆઈડી ક્રાઈમનો હવે પછીના આગામી શિકાર એક માજી ધારાસભ્ય અને તેના પરિવારના એક સભ્ય બને તો નવાઈ નહિં.

ગત ગુરૂવારે અમરેલીના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર અને આ મામલે મહત્વના રોલ ભજવવાનો જેમના પર આરોપ છે તેવા આરોપી તત્કાલીન અમરેલી પીઆઈ અનંત પટેલની ધરપકડ બાદ તેમની રીમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી બાબતો ખુલવા પામી હતી. સીઆઈડી વડા આશિષ ભાટીયા મજબુત પુરાવાની સાંકળી ગુંથવાના મતના હોય તેઓના આદેશથી પીઆઈ અનંત પટેલ અને આ મામલામાં જેની ભૂમિકા ખૂબ જ મહત્વની બન્યાનું કહેવાય છે તેવા ઈકબાલ નામ ધારણ કરનાર એડવોકેટને સામસામે બેસાડી ખુટતી કડીઓ મેળવી લીધાનું પણ સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે આ અગાઉ અકિલાએ જેમના પર આરોપ છે તેવા સુરતના એડવોકેટ કેતન પટેલના મોબાઈલમાંથી કેટલાક મોટા માથાઓની વાતચીતોના પુરાવા મળ્યાનો અહેવાલ પ્રસિદ્ધ થયેલ હતો. જેને આ બાબતથી પુષ્ઠી મળે છે. સીટ દ્વારા એડવોકેટના મોબાઈલમાંથી જિલ્લા પોલીસ વડાની વાતચીતના પુરાવા સાંપડતા જ તુર્ત જ સીટ દ્વારા આશિષ ભાટીયાને જાણ કરવામાં આવતા તેઓએ પ્રાથમિક ચકાસણી બાદ આગળ વધવા લીલી ઝંડી આપી હતી.

બીજી તરફ પોલીસનો બહોળો અનુભવ ધરાવતા એવા જિલ્લા પોલીસ વડા સીઆઈડી વડા આશિષ ભાટીયાના કોઈની શેહશરમ રાખ્યા વગર ફરજ બજાવવાની છબી સુપરીચીત હોવાથી તેઓને પોતાની અટક થશે તેવો અણસાર જાણે અગાઉથી જ આવી ગયો હોય તેમ તેઓને શનિવારે સીઆઈડીએ પુછપરછ માટે બોલાવતા તેઓએ યેનકેન પ્રકારે જવાનુ ટાળ્યુ હતું. બીજી તરફ સીઆઈડીને પણ જિલ્લા પોલીસ વડાની માનસિકતાનો ખ્યાલ આવી જતા સીઆઈડીને પણ દોડવુ હતુ અને ઢાળ મળ્યા જેવુ થયું.

દરમિયાન આશિષ ભાટીયાએ અચાનક સીઆઈડી અધિકારીઓને તાકીદે અમરેલી પહોંચી જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલની પૂછપરછ કરવા માટે અટક કરવા આદેશ આપ્યો હતો. આશિષ ભાટીયાના હુકમ બાદ તૂર્ત જ ગાંધીનગરથી રાતોરાત સીઆઈડી ટીમ અમરેલી એસપી બંગલે પહોંચી જિલ્લા પોલીસ વડાની અટક કરી લીધી હતી. જિલ્લા પોલીસ વડાના એક ટોચના રાજકારણીના ધંધાકીય સંબંધોની વાતો પણ પ્રચલીત બની છે.

કોલ્સ ડીટેઈલ્સમાં સીઆઈડીને પુરાવા સાંપડી જતા જિલ્લા પોલીસ વડા પાસેના મોબાઈલો પૈકી એક ચોક્કસ મોબાઈલ માગતા અને તે મોબાઈલ ન હોવાનું જણાવતા સીઆઈડીને પુરાવાના નાશ જેવુ લાગેલ. આમેય પીઆઈ અનંત પટેલ અને એડવોકેટે તો પુછપરછમાં વટાણા વેરી નાખ્યા હતા.(૨-૫)

(11:02 am IST)