Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ક્વોરનટાઇન ભંગ કરવા બદલ દસથી વધુ ફરિયાદો નોંધાઈ છે

વિદેશી મુસાફરોના ક્વોરનટાઇન અંગે તંત્ર ગંભીર : અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર માટે બે દિવસમાં અદ્યતન સાધન સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર કરી દેવાઈ

અમદાવાદ,તા. ૨૩ : ગુજરાતભરમાં કોરોના વાઇરસની અસરના ભાગરૂપે હાલ ૧૧૧૦૮ લોકોને કવોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાંથી કુલ, ૧૦૮૫૦ હોમ કવોરન્ટાઇન હેઠળ તો, ૨૨૪ લોકોને સરકારી કવોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કવોરન્ટાઇન ભંગ બદલ રાજયભરમાં દસથી વધુ ફરિયાદ નોંધાઇ છે એમ અત્રે રાજયના આરોગ્યવિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું. અમદાવાદમાં કોરોનાની સારવાર માટે બે દિવસમાં અદ્યતન સાધનસુવિધા સાથેની હોસ્પિટલ તૈયાર થઇ જશે. અમદાવાદ એરપોર્ટ પરથી ગુજરાતમાં એક મહિનામાં આવેલા ૨૭ હજાર વિદેશી મુસાફરો પૈકીના મોટાભાગનાને શોધી તેમનું ક્વોરોન્ટાઈન કરાયુ છે,

        એટલું નહી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તંત્ર અને પોલીસ સહિતના સત્તાવાળાઓ તેમની પર નજર રાખીને પણ બેઠા છે. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં હોમ કવોરન્ટાઇનનો ભંગ કરનાર વ્યકિતઓ સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આમ કરી તંત્રએ આવા લોકોને સ્પષ્ટ મેસેજ વહેતો કર્યો છે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક મહિનામાં ઉતરેલા ૨૭ હજારથી વધુ મુસાફરોની સંપૂર્ણ યાદી તૈયાર કરીને જે તે મુસાફરોના ઘરે જઈને તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. બાકીના મુસાફરોને પણ શોધી તેઓને કવોરન્ટાઇન કરવાની કવાયત ચાલી રહી છે.

       અમદાવાદમાં પણ ૪૮ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા મુસાફરોની યાદીના આધારે તેમના ઘરે જઈને ખાસ સ્ટીકર લગાડીને ૧૪ દિવસ સુધી તેઓને ઘરમાં લોકડાઉન કરવામાં આવી રહ્યા છે અને આવા મુસાફરોના પરિવારના સભ્યોને પણ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે. હોમ ક્વોરન્ટાઇન હેઠળ રહેલા લોકો બહાર ફરતા હોવાની મોટા પાયે ફરિયાદો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત તંત્રને મળી રહી છે. ઠેર ઠેર મુદ્દે ઘર્ષણ પણ સર્જાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે હવે તંત્રએ અત્યાર સુધી ક્વોરન્ટાઇન કરાયેલા એક હજાર જેટલા લોકોના ઘરે ક્વોરન્ટાઇન વિસ્તાર ઘોષિત કરવાના બોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોન વાર ટીમો તૈયાર કરાઈ છે અને તમામ લોકોના ઘરે ઘરે જઈને કોઈએ પણ મળવું નહીં તેવા સ્ટીકરો ચોંટાડવામાં આવી રહ્યા છે તેમ જે તે સોસાયટીઓ તેમજ વિસ્તારોને પણ સેનીટાઈઝ કરવામાં આવી રહ્યા છે કે જેથી અન્ય લોકોને ચેપ લાગે નહીં.

(8:50 pm IST)