Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

રાજ્ય વિધાનસભા સત્ર અચોક્કસ મુદ્દત માટે મુલત્વી કરવાનો નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રસ્તાવને ગૃહરાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ટેકો આપ્યો : કોરોના વાયરસની ગંભીર સ્થિતિના કારણે સત્ર સ્થગિત : પ્રસ્તાવ સર્વાનુમતે પસાર : હજારો લોકોની અવરજવર હોવાથી સાવચેતીરૂપે અંતે નિર્ણય કરાયો

અમદાવાદ,તા. ૨૩ : રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાની દરખાસ્ત કરી નથી. કોરોનાનો વ્યાપ જોતા રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાની વાતો થઈ રહી છે જેને લઈને સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે હજુ અમે કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવાની કોઈ દરખાસ્ત કરી નથી. વિધાનસભાના સત્ર ને પણ સંદર્ભે કોઈ ચર્ચા કરી નથી. યોગ્ય સમયે ઉચિત પગલાં ભરવામાં આવશે. પરંતુ બપોર સુધીમાં સંસદના બંને સત્રો એટલે કે, લોકસભા અને રાજયસભાના બંને સત્રોની કામગીરી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવાના સમાચાર આવ્યા બાદ તેના પડઘા ગુજરાતમાં પણ પડયા હતા. કોરોનાના કહેરને જોતાં ગુજરાત વિધાનસભા ગૃહની કામગીરી પણ અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

         ગુજરાત વિધાનસભા ગૃહની કામગીરી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત રાખવા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગૃહમાં આજે બપોર બાદ દરખાસ્ત મૂકાઇ હતી, જેને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ટેકો જાહેર કર્યો હતો, ત્યારબાદ અધ્યક્ષ દ્વારા તેને મંજૂર કરી વિધાનસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઓલરેડી દસેક દિવસ અગાઉ વિધાનસભા ગૃહની કાર્યવાહી સ્થગિત કરવા સરકાર સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી પરંતુ વખતે સરકારે વિપક્ષની માંગણીને ઠુકરાવી દીધી હતી અને હવે આજે સરકારે જયારે ગુજરાતમાં કોરોના વાઇરસની સંક્રમણની અસર વધુ ઘેરી અને ગંભીર બની છે ત્યારે સરકારે આખરે વિધાનસભા ગૃહની કામગીરી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. કોરોના વાઈરસે ગુજરાત સહિત દેશભરમાં ભયનો માહોલ પાથર્યો છે.

        ત્યારે આવા સમયે કેન્દ્ર સરકારે તો સંસદને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવાનો સર્વપક્ષીય દળની મીટીંગમાં નિર્ણય લીધો હતો. પરંતુ બીજી તરફ ગુજરાત સરકાર નિર્ણય ક્યારે લેશે તેના પર પ્રશ્નની સોઈ અટકી ગઈ હતી. ગુજરાતની સરકાર દ્રારા જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે પણ વિધાનસભા ક્યારે સ્થગિત કરશે પ્રશ્ન ઉપસ્થિત ચર્ચાની એરણે હતો. કારણ કે વિધાનસભામાં આજે ધારાસભ્યો ડરના માર્યા એક બીજાથી ખૂબ દૂર બેઠા હતા. કોરોના વાયરસની અસર ગુજરાતવિધાનસભા ગૃહમાં પણ જોવા મળી હતી. આજે ગૃહની કાર્યવાહી દરમ્યાન ભાજપના ધારાસભ્યો ગૃહની અંદર અલગ-અલગ બેઠા. કેટલાક ભાજપના સભ્યો કોંગ્રેસના સભ્યોની બેઠક વ્યવસ્થા પર બેઠા હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધારાસભ્યોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ કર્યા બાદ ભાજપના ધારાસભ્યો ગૃહમાં અલગ-અલગ બેઠા.

          જો કે, તબક્કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હળવી કોમેન્ટ કરતા કહ્યું કે કોંગ્રેસની બેઠક પર ભાજપના સભ્યો બેઠા છે તે વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ જીત મેળવશે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અને સચિવાલય સંકુલમાં હજારો લોકોની અવરજવર હોઇ કોરોના વાઇરસના ફેલાવા અને ચેપની દહેશત વધી જતી હોઇ આખરે સરકારને નિર્ણય લેવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, આજે સવારે સીએમ રૂપાણીએ રાજ્યસભાની ચૂંટણી અને વિધાનસભાના સત્ર અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, વિધાનસભા સત્ર ટુંકાવવા માટે ભાજપ તરફથી કે રાજ્યસભા ચૂંટણી મોકૂફ રાખવા અંગે કોઈ વિચારણા કે રજૂઆત કરવામાં આવી નથી પરંતુ વિધાનસભા સત્ર અંગે સીએમએ બપોર બાદ અચાનક યુ ટર્ન લીધો હતો, જેને લઇને ભારે ચર્ચા ચાલી હતી.

(8:48 pm IST)