Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ચાવડા વિવાદની સાથે સાથે

ચાવડાના શબ્દોની જોરદાર ઝાટકણી

અમદાવાદ, ૨૩ : તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાઇ કેબીનેટ મંત્રીનું પદ હાંસલ કરનારા જવાહર ચાવડા મંત્રીપદના મદમાં ભાન ભૂલ્યા હતા અને એક કાર્યક્રમમાં પોતાને પત્રકારોના બાપ ગણાવતાં સમગ્ર રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. તો બીજીબાજુ, પત્રકારઆલમ સહિત સભ્યસમાજમાં જવાહર ચાવડાના પત્રકારો માટે આવા અપમાનજનક વાણીવિલાસને લઇ ચોતરફથી તેમના પર ફિટકાર વરસી રહ્યો છે.

પોતાની ભૂલ સ્વીકારવાને બદલેપત્રકારોને સલાહ આપવા લાગ્યા

        આ વિવાદ બાદ જવાહર ચાવડાએ એક વીડિયો રિલિઝ કર્યો હતો અને તેમાં દલીલ કરી હતી કે, આ તો સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં બાપ શબ્દનો પ્રયોગ થાય છે એટલે તેમણે કર્યો હતો. પરંતુ તેમણે ૧૯ મિનિટ સુધી સારી અને પોઝિટિવ વાતો કરી તેનું પત્રકારોએ રિર્પોટિંગ કરવું જોઈએ, નહીં કે ચાર સેકન્ડની નબળી વાતોનું. આમ, પોતાની ભૂલ સ્વીકારવાને બદલે જવાહર ટિપિકલ ભાજપી નેતાની જેમ પત્રકારોને રિર્પોટિંગ શીખવતા જોવા મળ્યા હતા, જેને લઇને ઉલ્ટાનું તેઓ હાસ્ય અને ટીકાનું કેન્દ્ર બન્યા હતા.

રેશ્મા પટેલ અને લલિત વસોયાએ ચાવડાના શબ્દોને વખોડયા

        દરમ્યાન સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપમાંથી છેડો ફાડનાર બેબાક રેશ્મા પટેલે જવાહર ચાવડાના પત્રકારોના અપમાન કરતાં શબ્દોને વખોડી કાઢતાં તેની આકરી નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે, લોકશાહીની ચોથી જાગીર સમાન ગણાતા પત્રકાર જગતને હું હંમેશા સલામ કરુ છું. પત્રકારોને કોઇ પણ પ્રશ્ન પુછવાનો અધિકાર છે. નેતાઓને સારા પ્રશ્નો પૂછે એ જ ગમતું હોય છે અને કડવા પ્રશ્નો પૂછે તો પત્રકાર મિત્રોના અપમાન કરે છે. આવી માનસિકતાવાળા નેતાઓ ક્યાંકને ક્યાંક લોકશાહી અને લોકહિત પર તરાપ મારે છે. મંત્રીના આવા અપશબ્દોને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. આવા નેતાઓ લોકશાહી માટે ખતરા સમાન છે.

 

(8:25 pm IST)