Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મંત્રીપદના નશામાં જવાહર ચાવડા ભાન ભૂલતા વિવાદ

ચાવડાએ પોતાને પત્રકારોના બાપ ગણાવ્યા : આટલું થયા પછી પણ ભૂલ સ્વીકારવાના બદલે જવાહર પત્રકારોને રિર્પોટિંગ શીખવતા જોવા મળતાં હાસ્યનું કેન્દ્ર

અમદાવાદ,તા. ૨૩ : તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાઇ કેબીનેટ મંત્રીનું પદ હાંસલ કરનારા જવાહર ચાવડા મંત્રીપદના મદમાં ભાન ભૂલ્યા હતા અને એક કાર્યક્રમમાં પોતાને પત્રકારોના બાપ ગણાવતાં સમગ્ર રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. તો બીજીબાજુ, પત્રકારઆલમ સહિત સભ્યસમાજમાં જવાહર ચાવડાના પત્રકારો માટે આવા અપમાનજનક વાણીવિલાસને લઇ ચોતરફથી તેમના પર ફિટકાર વરસી રહ્યો છે. સૂંઠના ગાંગડે ગાંધી બનીને ભાન ભૂલેલા પક્ષપલ્ટુ નેતા અને વિજય રૂપાણી કેબિનેટમાં હાલમાં જ સ્થાન પામનારા જવાહર ચાવડાનો પોતાને પત્રકારોના બાપ કહેવડાવતો વીડિયો વાઈરલ થતાં મોટો વિવાદ સર્જાયો છે. આમેય માણાવદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ રાજકીય સોદાબાજી અને સમાધાન કરીને ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યા બાદ જવાહર ઘણા સમયથી સત્તાના મદમાં આવી ગયા છે. ભાજપના નેતાઓની આમેય તાસીર હોય છે કે કોઈ પત્રકાર તેમને ખૂંચે તેવો સવાલ કરે એટલે તેમને મન તે વિપક્ષી કોંગ્રેસનો એજન્ટ બની જાય છે. જવાહર ચાવડા પણ વિપક્ષમાં હતા ત્યારે ભાજપના નેતાઓને અણિયારા પ્રશ્નો પૂછવા પત્રકારોને રીતસર કાકલૂદી કરતા હતા અને હવે મંત્રી બની ગયા બાદ પોતાનો ભૂતકાળ ભૂલીને ચકલી ફૂલેકે ચઢે તેવો વટ મારી રહ્યા છે. હાલમાં જ મંત્રી બનેલા જવાહર ચાવડાએ એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું કે, પત્રકારોમાં હજુ પણ એવો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી શું કામ ભાજપમાં આવ્યા.. હજુ પત્રકારો પૂછે છે તમે શેના માટે ગયા, તમને શું વાંધો હતો.. મેં કીધું કે વાંધો તો તારા બાપને આંયા હતો જ નહીં.. આમ આ પ્રકારે ભાન ભૂલી વાણીવિલાસ કરી ચાવડાએ પોતાની જાતને પત્રકારનો બાપ ગણાવ્યા હતા. એક કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે જવાહરના આ નિવેદનની સોશિયલ મીડિયામાં ખાસ્સી ટીકા થઈ રહી છે. ઘણા વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે બાપ કોને કહેવાય એ એમને શીખવું જોઈએ, પછી બોલવું જોઈએ. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના પત્રકારોનું માનવું છે કે, આ રીતે જાહેર કાર્યક્રમમાં પત્રકારો વિરુદ્ધ ટિપ્પણી કરી પ્રજા પાસે તાળી પડાવવી એ યોગ્ય નથી અને એક કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડાને આ શોભતું નથી. એક પત્રકાર તરીકે અમારુ માનવું છે આ મામલે તેમને તમામ પત્રકારોની માફી માંગવી જોઈએ. એટલું જ નહીં, જવાહર આ મામલે પત્રકારોની માફી ન માગે ત્યાં સુધી તેમનું કોઈ પણ પ્રકારનું કવરેજ કરવું જોઈએ નહીં અને રૂપાણી સરકારને પણ આ મામલે પત્રકારોએ મજબૂર કરવી જોઈએ એવી માંગણી પણ પત્રકારોમાં ઉઠવા પામી હતી.

 

 

(8:24 pm IST)